(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં વિરોધ પક્ષના વિરોધો વચ્ચે નાગરિકતા સુધારા બિલ રજૂ કર્યો હતો. સંસદમાં વિપક્ષોએ બંધારણના અનુચ્છેદ ૧૪નો હવાલો આપી વિરોધ નોંધાવ્યો હતો. એમણે સરકારને યાદ કરાવ્યું કે, બંધારણના અનુચ્છેદ ૧૪ની જોગવાઈઓ મુજબ રાજ્ય કોઈ વ્યક્તિ સામે ધર્મ, જાતિ, લિંગ, ભાષા, નાગરિકતા અંગે ભેદભાવ કરી શકે નહીં. રાજ્યએ બધાને કાયદા સમક્ષ સમાન ગણવું. આ અનુ. દ્વારા ભારતના બધા નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે. આ પ્રકારના વિરોધ સામે અમિત શાહે જવાબ આપતા કહ્યું, આ બિલ કોઈ પણ અનુચ્છેદનું ભંગ કરનાર નથી અને એ ૦.૦૦૧ ટકા પણ લઘુમતીના વિરોધમાં નથી. પ્રસ્તાવિત બિલ દ્વારા ૬ દાયકા જૂના કાયદાને સુધારવામાં આવી રહ્યો છે અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિનમુસ્લિમો જે શરણાર્થી થઈને ભારતમાં આવ્યા હતા. એમને નાગરિકતા મેળવવા સરળતા રહે એ માટે બિલ લાવવામાં આવ્યું છે. અમુક વિપક્ષો અને નેતાઓ જેમાં ઉત્તર-પૂર્વ ભારતના સાંસદો પણ છે અને જે ભાજપ સાથે ગઠબંધન પણ ધરાવે છે. એમણે પણ આ બિલને ભેદભાવવાળું ગણાવ્યું છે અને આક્ષેપો કર્યા છે કે, આ બિલ આપણા બંધારણના મૂળભૂત બિનસાંપ્રદાયિકતાના માળખા વિરૂદ્ધ છે.
અનુચ્છેદ ૧૪ને લગતા મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે.
૧. બંધારણના અનુચ્છેદ ૧૪ મુજબ “રાજ્ય કોઈપણ વ્યક્તિને કાયદા હેઠળ સમાનતા આપવા ઈનકાર કરશે નહીં અને બધા વ્યક્તિઓને સમાનરૂપે કાયદાનું રક્ષણ મળશે.
ર. અનુચ્છેદ ૧૪ આ પ્રકારના અન્ય સમાનતાના અનુચ્છેદો ૧૪, ૧પ અને ૧૬નો ભાગ છે, જે સમાનતાનો મૂળભૂત અધિકાર આપે છે. અનુચ્છેદ ૧પ હેઠળ કોઈપણ વ્યક્તિ સામે ધર્મ, જાતિ, સંપ્રદાય, જન્મસ્થળ, ભાષાના આધારે ભેદભાવ કરશે નહીં. અનુચ્છેદ ૧૬ હેઠળ સરકારી નોકરીઓમાં સમાન તકોની બાંહેધરી આપવામાં આવી છે.
૩. અનુચ્છેદ ૧૪મા જણાવાયું છે કે, “કાયદા સમક્ષ સમાનતા” જે અંગ્રેજી ખ્યાલ છે. એનો અર્થ એ છે કે, બધાની સાથે સમાન ધોરણે વર્તન કરાશે. બંધારણના મૂળ સંસ્કરણમાં આ ખ્યાલને “નકારાત્મક ખ્યાલ” તરીકે ગણવામાં આવ્યા હતા, જેથી પછીથી સુધારો કરી સકારાત્મક ખ્યાલ તરીકે રજૂ કરાયો, અર્થાત રાજ્ય કોઈ વ્યક્તિને વિશેષ લાભ આપશે નહીં.
૪. અનુચ્છેદના નકારાત્મક પાસાને દૂર કરી સકારાત્મક ખ્યાલ દાખલ કરી એમાં ઉમેરો કરવામાં આવ્યો કે, કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાનો ઈનકાર કરાશે નહીં, જેથી જો રાજ્ય કોઈ વિશેષ સમુદાય અથવા જાતિને વિશેષ લાભ આપવા ઈચ્છે તો એમના માટે સ્પે. કાયદો ઘડવો પડે.
પ. અનુ. ૧૪ નિરપેક્ષ નથી. અર્થાત વ્યાજબી વર્ગીકરણ કરી શકાય છે, જે તરફ અમિત શાહ ધ્યાન દોરી રહ્યા છે. સમાજના વિશિષ્ટ વર્ગોને જરૂર પડે તો એ લાભ આપી શકાશે. જો કે, અનુ. ૧૪ હેઠળ મનસ્વી રીતે કોઈપણ સમુદાયને વિશેષ અધિકારો આપતો રોકે છે.