નવી દિલ્હી, તા.ર
રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ મંગળવારે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)ની પહેલી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન ખેલાડીઓને પ્રતિબંધિત દવાઓ અને તેના ઉપયોગ વિશે માહિતી આપશે.
આ એપ્લિકેશન બનાવવાનો મુખ્ય હેતુ ખેલાડીઓને રમત વિશે અને સૌથી મહત્વપૂર્ણ પ્રતિબંધિત પદાર્થો વિશેની માહિતી આપવાનો છે. જેથી ખેલાડી કંઈપણ ખોટું કરવાનું ટાળી શકે. આ એપ્લિકેશન નાડા અને ખેલાડીઓ વચ્ચેના એક સેતુની જેમ કાર્ય કરશે. આ એપમાં રમત-ગમતના વિવિધ પાસાઓ, ખાસ કરીને પ્રતિબંધિત દવાઓ વિશે વિગતવાર માહિતી મળશે. એપ્લિકેશનના લોન્ચિંગ વખતે રિજિજુએ કહ્યું કે, હું આ પહેલ બદલ નાડાનો આભાર માનું છું. ભારતીય રમત-ગમત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે આપણે સ્વચ્છ રમત માટે કામ કરી રહ્યાં છીએ. જેમાં આ પહેલનું પગલું છે. આનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા અને ખેલાડીઓને માહિતી પ્રદાન કરવાનું છે. આ એપથી ખેલાડીઓને તરત જ ખબર પડી જશે કે, કઈ દવા લેવાની નથી.આ એપ્લિકેશન દ્વારા ખેલાડીઓ આપ મેળે એવા પદાર્થો જોઈ શકશે, જેના વપરાશ પર પ્રતિબંધ છે. આ એપ્લિકેશનમાં એવી માહિતી પણ હશે જે નાડાની પ્રતિબંધિત સૂચિમાં સામેલ હશે. આ એપ્લિકેશન ખેલાડીઓના ઝડપી ડોપ પરીક્ષણમાં મદદ કરશે.