અમદાવાદ,તા.૨૩
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ હારી તેનું ગંભીર કારણ ૧૦ થી વધુ બેઠકો પર થયેલી નાણાંની હેરાફેરી જવાબદાર હોવાની ચોંકાવનારી હકીકત ઉજાગર કરતો એક સ્ફોટક પત્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના હોદ્દેદારોને સાણંદ કોંગ્રેસ બચાવો સમિતિ તરફથી લખવામાં આવ્યો છે. આ પત્ર સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થતાં ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પત્રમાં કરાયેલા આક્ષેપોને લઇ ઉંડી અને તટસ્થ તપાસની માંગણી પણ ઉઠવા પામતાં કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક વિવાદનો મોટો વિવાદ સામે આવ્યો છે. સાણંદ કોંગ્રેસ બચાવો સમિતિ તરફથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી નેતાઓને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, અમિતભાઇ જો અત્યારે કોંગ્રેસની સરકાર હોત તો ધારાસભ્યોને સાચવવાની દોડધામ ના કરવી પડત. પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામેના એન્ટી ઇન્કમ્બન્સીના વાવાઝોડા વચ્ચે કોંગ્રેસ પક્ષ સત્તાની નજીક આવીને કેમ હારી ગયો? આ આઘાતજનક બાબતનું તટસ્થ રીતે આપે સાચુ વિશ્લેષણ કર્યું છે ખરું? સાહેબ, કોંગ્રેસ લોકમતના કારણે નથી હારી પરંતુ કોંગ્રેસના અંદરના જ ગદ્દારો અને કોંગ્રેસની પ્રતિષ્ઠા અને કોંગ્રેસના મંચનો કમાણીના સાધન તરીકે ઉપયોગ કરી લેનારા ઉમેદવારો અને તેમની આસપાસ ગોળગોળ ફરનાર વચેટિયાઓની વરવી ભૂમિકા ભજવનારાઓએ કોંગ્રેસને ઘરભેગી કરી છે. વટવા, સાણંદ સહિત દસ જેટલી બેઠકો એવી છે કે, જયાં નાણાંની હેરાફેરીએ કોંગ્રેસને ભૂંડી રીતે હરાવી છે. કોંગ્રેસને હરાવવા ધનસંગ્રહની કામગીરી કરનારાઓને આપે હિંમતપૂર્વક સજા ફટકારવી જોઇએ, તેના બદલે શિરપાવ આપો છો, સાણંદમાં ત્રિકોણીયા જંગમાં કોંગ્રેસની જીત નિશ્ચિત મનાતી હતી પણ નાણાંની હેરાફેરીમાં વચેટિયાની ભૂમિકા ગૌતમ રાવળે ભજવી હતી તે વાત સાણંદનો દૂધ પીતો ટેણિયો પણ જાણે છે. જેની આપને ગંધ ન હતી ? આ ગૌતમ રાવળને આપે સજા કરવાના બદલે તાસક પર ચડાવીને પ્રદેશ મંત્રીપદનું ઇનામ આપ્યું છે. આપે આમ કરીને એક નબળો દાખલો બેસાડયો છે અને પ્રદેશ પ્રમુખ તરીકેની આપની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડયો છે. આ ઇનામ ઓછુ લાગતુ હોય તેમ ગૌતમ રાવળને વિરમગામ અને દસ્ક્રોઇના ચૂંટણી ઇન્ચાર્જ બનાવાયા છે. એક વ્યકિતને ત્રણ ત્રણ જવાબદારી સોંપો છો તો શું પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકરોનો દુકાળ પડયો છે? તમને એમ થયું કે, લો ગૌતમભાઇ ચરી ખાવા સાણંદ વિસ્તાર નાનો પડતો હતો એટલે હવે વિરમગામ, દસ્ક્રોઇમાં હાથ ફેરો કરશે? આ મોકળુ મેદાન આપવાનું કારણ શું ? અમિતભાઇ, જે વિસ્તારમાં કોળી જ્ઞાતિ અને પછાતવર્ગની બહુમતી છે તેવા સાણંદમાંથી આપને બીજુ કોઇ ના મળ્યું કે, આવા ચલતાપૂર્જા અને આબરૂ વગરના પૂંછડિયા કાર્યકરને સીધું પ્રદેશનું મંત્રીપદ પધરાવી દીધું? સાણંદ પંથકમાં તેમની છાપ કેવી છે, તેનો જરા સર્વે તો કરાવો. અમે સાણંદ કોંગ્રેસ બચાવો સમિતિ કરીને તમને વારંવાર રજૂઆતો કરી છે, કાગળો પણ લખ્યા છે છતાં તમને કોઇ ફેર પડતો હોય તેમ લાગતું નથી. હજુ પણ સમય છે ગૌતમ રાવળને આપેલા તમામ પદો આંચકીને તમારી હિંમતનો પક્ષને પુરાવો આપો, અન્યથા કોંગ્રેસના વહાણને લોકસભાની ચૂંટણીમાં ડુબાડશે તે નક્કી છે. આ પત્રને પગલે ફરી એકવાર કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક અને લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ અને નવો વિવાદ સામે આવતાં રાજકારણ ગરમાયુ છે.ક્ષ
નાણાંની હેરાફેરી કરી વચેટિયાઓ કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં ૧૦ જેટલી બેઠક પર હરાવ્યાનો પત્રમાં આક્ષેપ

Recent Comments