(એજન્સી) નવી દિલ્હી, તા.પ
૬પ વર્ષીય નાણાંમંત્રી અરૂણ જેટલી ગંભીર રીતે બિમાર હોવાનું જણાવાઈ રહ્યું છે. સારવાર માટે વિદેશ જાય એવી શક્યતા પણ બતાવાઈ રહી છે. અરૂણ જેટલીએ ત્રણ વર્ષ પહેલા બેરીઆટ્રીક સર્જરી કરાવી હતી જે પછી એમની તબિયતમાં સુધારો થતા ખાસ્સો સમય ગયો હતો. જેટલીને ખૂબ જ વધુ માત્રામાં ડાયાબિટીસ પણ છે. છેલ્લા કેટલાક દિવસોથી એમનું સ્વાસ્થ્ય સારૂં નહીં હોવાની માહિતી મળી છે.
જેટલીની બિમારીની ચર્ચા એમના સહયોગીઓમાં ચિંતાનો વિષય બની છે એ સાથે જેટલીના વિરોધીઓ પણ એમના સ્વાસ્થ્ય બદલ ચિંતિત જણાતા હતા. જો કે કોઈ ખુલ્લી રીતે કંઈ ટિપ્પણી નથી કરી રહ્યો. જેટલીને રાજ્યસભાના નેતા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા તે દરમ્યાન પણ એ હાજર ન હતા.
થોડા અઠવાડિયાઓ પહેલા પૂર્વ રક્ષા મંત્રી મનોહર પાર્રિકરના ખરાબ સ્વાસ્થ્યના સમાચારો આવ્યા હતા જે હાલમાં અમેરિકા ખાતે સારવાર કરાવી રહ્યાં છે.
જેટલીની તપાસ થઈ રહી છે, ડૉકટરો હાલ કિડનીની બિમારીનું નિદાન થયું હોવાનું જણાવી રહ્યાં છે. જો કે જેટલીને હજુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું નથી. પણ એ ઘરે જ છે એઆઈઆઈએમએસના ડૉકટરો ઘરે જઈ સારવાર આપી રહ્યા છે. ડૉકટરોનું કહેવું છે કે એમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે.
ડૉકટરોની સલાહ મુજબ જેટલી જેટલીને એઆઈઆઈએમએસના કાર્ડિયો-ન્યૂરો ટાવરમાં દાખલ કરવામાં આવી શકે છે જેમાં સારવારના અતિઆધુનિક સાધનો ઉપલબ્ધ છે. થોડા વર્ષો પહેલા જેટલીએ હૃદયનું ઓપરેશન પણ કરાવ્યું હતું.
જેટલીનું ખરાબ સ્વાસ્થ્ય ભાજપ માટે માઠાં સમાચાર છે કારણ કે મોદી સરકારમાં જેટલી મુખ્ય ભૂમિકા ભજવે છે. આગામી વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે એવામાં જેટલીની ગેરહાજરી મોદીને મુશ્કેલીઓમાં મૂકશે.