(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
નાણાકીય લેવડ-દેવડ મામલે લસકાણાના યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી ૨.૫૦ લાખના ચેક બળજબરી પૂર્વક લખાવી લેનાર માથાભારે ઈસમ વિરૂદ્ધ સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા હિલન પાર્કની બાજુમાં રાજ રેસીડેન્સીના મકાન નં.બી/૫૦૩માં રહેતા ૨૪ વર્ષીય આશિષ ગોધાણી ગત તા.૧૨મી નવેમ્બરના રોજ બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન સુરત કામરેજ રોડ ઉપર શ્યામધામ મંદિર પાસે આવેલા સ્કાયઝોન બિલ્ડિંગના કંપાઉન્ડમાં હાજર હતા, તે દરમ્યાન મોટા વરાછા વિનાથ સોસાયટીના મકાન નં.બી/૪માં રહેતાં માથાભારે વિજય રાખોલિયાએ નાણાકીય લેતી-દેતીમાં આશિષને પૈસા આપી દે કહી ગાળ આપી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી ભયભીત કર્યા બાદ બળજબરીપૂર્વક ૨.૫૦ લાખના ચેક લખાવી લીધા હતા. આ બનાવ અંગે આશિષે વિજય રાખોલિયા વિરૂદ્ધ ગઈકાલે રવિવારના રોજ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.