(એજન્સી) તા.૧૮
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, પલાયન કરી ગયેલા કામદારોને રોજગારની તકો પૂરી પાડવા રૂા. ૫૦ હજાર કરોડની સાર્વજનિક કામોની યોજના અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આ યોજનામાં દેશના ૬ રાજ્યોમાં ૧૧૬થી વધુ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ૨૦ જુનના રોજ બિહારથી કરાવવામાં આવશે.
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન યોજનાનો પ્રારંભ સવારે ૧૧ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. આ યોજનાની શરૂઆત બિહારના ખગડિયા જિલ્લાથી થશે અને તેને દેશના અન્ય રાજ્યોમાં શરૂ કરવામાં આવશે. આમાં દરેક જિલ્લામાં ૨૫,૦૦૦થી વધુ શ્રમિકોને રોજગારી આપવામાં આવશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત શ્રમિકો પાસે ૨૫ પ્રકારના કામો કરાવવામાં આવશે. આમાં કોમ્યુનીટી સેનિટેશન કોમ્પ્લેક્સ, ગ્રામ પંચાયત ભવન, ફાઇનાન્સ કમીશન ફંડ હેઠળના કામો, નેશનલ હાઈવે, રૂરલ હાઉસિંગ, રેલ્વે, ભારત નેટ હેઠળ ફાઈબર ઓપ્ટીકલ કેબલના કામો, જળ જીવન મિશનના કામો, રૂરલ કનેક્ટિવિટી અને બોર્ડર રોડ વર્કસ, ખેત તલાવડી, સોલીડ અને લીક્વીડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના કામો કરાવવામાં આવશે.
આ યોજનામાં ૬ રાજ્યોમાં ૧૧૬ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આમાં સૌથી વધુ ૩૨ જિલ્લાઓ બિહારના છે જયારે ૩૧ જિલ્લાઓ ઉત્તર પ્રદેશના આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના ૨૪, રાજસ્થાનના ૨૨, ઓરિસ્સાના ૪ અને ઝારખંડના ૩ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારામને પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને ચીનના બગડતા સંબંધો અંગે સવાલ કરાતાં તેમણે જણાવ્યું હતું કે, ડિફેન્સ મંત્રાલય અને એક્સ્ટર્નલ અફેર્સ મીનીસ્ટ્રી આ અંગે સમયાંતરે માહિતી આપી રહ્યું છે. હાલમાં મારે આ અંગે કઈ કહેવાનું રહેતું નથી.
આ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન માટે ૧૨ જુદ-જુદા મંત્રાલયો અને વિભાગો સાથે સંકલન કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, માર્ગ પરિવહન અને હાઇવે, માઈન્સ, ડ્રિન્કિંગ વોટર એન્ડ સેનિટાઈઝેશન, પર્યાવરણ, રેલ્વે, પેટ્રોલિયમ, બોર્ડર રોડ, ટેલિકોમ અને કૃષિ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને આ અભિયાન ચલાવશે અને ૧૧૬ જિલ્લામાં કામદારોનું સ્કીલ મેપિંગ કરશે.