(એજન્સી) નવી દિલ્હી, તા.૮
પંજાબ નેશનલ બેંકમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યા બાદ સરકાર બેંકોમાંથી ઉધાર નાણાં લઈશે દેશમાંથી બહાર ભાગી જવાના કિસ્સાઓને રોકવા માટે ઉધારીના નિયમોને કડક બનાવી રહી છે. નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને ૪પ દિવસોની અંદર એવા દરેક દેવાદારોના પાસપોર્ટની વિગતો લેવાનું કહ્યું છે, જેમણે પ૦ કરોડ રૂપિયાથી વધારાની લોન લીધેલી છે. આ પહેલનો હેતુ છેતરપિંડી કરનારા નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકોને દેશ છોડીને ભાગવાથી રોકવાનો છે. સૂત્રોએ નાણા મંત્રાલયના પરામર્શનો હવાલો આપતા કહ્યું કે, જો દેવાદારની પાસે પાસપોર્ટ નથી, તો બેંકે ઘોષણાપત્ર તરીકે પ્રમાણપત્ર લેવું પડશે. તેમાં સંબંધિત વ્યક્તિ પાસે પાસપોર્ટ ના હોવાનો ઉલ્લેખ કરવામાં આવશે. પરામર્શમાં કહેવામાં આવ્યું છે કે, દેવાના આવેદનપત્રમાં યોગ્ય રીતે સંશોધન થવું જોઈએ જેથી તેમાં લોન લેનારાઓના પાસપોર્ટની વિગતો સામેલ કરી શકાય. પાસપોર્ટની વિગતોથી બેંકોને છેતરપિંડી કરનારાઓને દેશ છોડીને ભાગી જવાથી રોકવા માટે યોગ્ય સમયે કાર્યવાહી કરવા અને સંબંધિત સત્તાધીશોને જાણ કરવામાં મદદ મળશે. પાસપોર્ટની વિગતો ના હોવાથી છેતરપિંડી કરનારા ખાસ કરીને જાણીજોઈને લોનની રકમ નહીં ચૂકવનારાઓને દેશ છોડીને જવા દેવાથી રોકવા માટે બેંકો યોગ્ય સમયે પગલાં લઈ શકતી નથી.