ભાવનગર, તા.૨૯
બોટાદનાં પાળિયાદ પંથકમાં આવેલા નાના છેડા ગામના સીમાડે આવેલી સુખભાદર નદીમાં ન્હાવા પડેલા ચાર માસુમ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટનાને કારણે નાનકડા એવા ગામમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.
જાણવા મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાનાં પાળિયાહના નાના છેડા ગામે રહેતાં શિવરાજભાઇ દાદભાઇ ખાચરની વાડીમાં ભાગીયું રાખીને રહેતા મુળ નડીયાદનાં અસીન્દ્રાનાં વતની રમેશભાઇ બાબુભાઇ સોલંકીની પુત્રી કાજલ ઉ.વ.૧૨, પ્રિયા ઉ.વ.૭, જગદિશ ઉ.વ.૮, અને કરશનભાઇ હામાભાઇ ની વાડીમાં ભાગીયુ રાખી રહેતા અર્જુનભાઇ નાનજીભાઇ નાયકની પુત્રી બોડી ઉ.વ.૪ સહિત ગીતા સાથે મળીને વાડીથી થોડે દૂર આવેલી સુખભાદર નદીમાં ન્હાવા ગયા હતા. સુખભાદર નદીમાં એક પછી એક બાળકો ન્હાવા પડ્યા હતા દરમિયાનમાં ગીતા નામની તરૂણી ન્હાવા પડી ન હતી પરંતુ ચારેય મુસમ બાળકો સુખભાદર નદીનાં વેણમાં તણાઇને ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા ની સાથે જ ફાયર બ્રિગેડ નો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને એક પછી એક એમ ચાર માસુમ બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા હતા. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. આ ઘટનાને કારણે નાનકડા એવા ગામમાં અરેરાટી છવાઇ જવા પામી છે.