અમદાવાદ,તા.૮
શહેરના ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ રોડ પર આવેલ ૩૦૭ રેસીડેન્સી નામના એપાર્ટમેન્ટમાં નાનકડા ભાઇ-બહેન સંજોગવશાત્‌ લીફ્ટમાં ફસાઇ ગયા હતા, જે દરમ્યાન સાત વર્ષીય ભાઇ લીફ્ટના વચ્ચેના ભાગે અનાયાસે આવી જતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું કરૂણ મોત નીપજયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બહુમાળી ઇમારતોમાં લીફ્ટમાં રમત રમતા બાળકો અને તેમના વાલીઓ માટે ચેતવણી સમાન આ કિસ્સો છે, જે અંગે સાબરમતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ રોડ પર ૩૦૭ રેસીડેન્સીમાં મનોજકુમાર મિશ્રા, તેમના પત્ની, સાત વર્ષીય પુત્ર મયંક અને પુત્રી સાથે રહે છે. ગઇકાલે બપોરે મયંક અને તેની બહેન ગ્રાઉન્ડ ફલોર પરથી બીજા માળે જવા માટે લીફ્ટમાં ગયા હતા, એ દરમ્યાન કોઇક કારણસર લીફ્ટમાં ટેકનીકલ ખામી સર્જાતાં ભાઇ-બહેન લીફ્ટમાં ફસાઇ ગયા હતા. એ વખતે ભાઇ મયંક અનાયાસે ગ્રાઉન્ડ ફલોરથી પહેલા માળની વચ્ચે લીફ્ટની વચ્ચેના ભાગમાં આવી ગયો હતો અને વિચિત્ર રીતે ફસાઇ જવાથી તેને ગંભીર ઇજાઓ થઇ હતી. લીફ્ટમાં ફસાયેલા ભાઇ-બહેને ચીસાચીસ કરી મૂકી હતી, જેને પગલે સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતા અને ભારે મહેનત બાદ લીફ્ટમાંથી બહાર કાઢી લેવાયા હતા. જો કે, તે પહેલાં ફાયરબ્રિગેડને પણ જાણ કરી દીધી હોવાથી ફાયરના જવાનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ગંભીર રીતે ઇજા પામેલા મયંકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. અત્રે એ નોંધવુ જરૂરી છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં ઘણી એવી બહુમાળી ઇમારતો અને રહેણાંક સ્કીમો છે કે જેની લીફ્ટનું જોઇએ તે પ્રમાણેનું સ્ટાન્ડર્ડ મેઇન્ટેનન્સ થતું નથી અને તેના કારણે ઘણીવાર લીફ્ટ ખોટકાઇ જવાના અને ટેકનીકલ ખામી સહિતની ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે, જેમાં કયારેક આવા માઠા પરિણામો ભોગવવાનો વારો પણ આવતો હોય છે.