(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા૧૪
કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિમાંથી ઝડપથી પૂર્વવત બેઠા થવા-આત્મનિર્ભરતાના માર્ગે વાળવા-નાના વેપારીઓ-કારીગરો-વ્યક્તિગત નાના વ્યવસાયકારો શ્રમિક વર્ગને રૂા.૧ લાખ સુધીની લોન અપાશે. ત્રણ વર્ષ માટે રૂા. ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકા વ્યાજે રાજ્યની સહકારી બેંકોે-જિલ્લા બેંકોે આપશે. જેમાં રાજ્યના ૧૦ લાખથી વધુ નાના વેપારીઓ-વ્યક્તિગત નાના વ્યવસાયકારો-કારીગરોને લાભ મળશે. ર ટકા ઉપરાંતનું બાકીનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. લોન મેળવ્યાના પ્રથમ ૬ મહિના કોઇ હપ્તો કે વ્યાજ ભરવું પડશે નહીં. માત્ર અરજી કર્યાથી લોન મળી જશે. અરજી ફોર્મ ફી કે અન્ય કોઇ ફી ની રકમ લેવામાં આવશે નહીં. પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-૧૯ને કારણે સજાર્યેલી લોકડાઉનની સ્થિતિમાંથી ઝડપભેર જનજીવન પૂર્વવત થાય અને નાના કારિગરો, નાના વેપારીઓ, વ્યક્તિગત કારિગરો, શ્રમિક વર્ગને ફરી વ્યવસાય રોજગારીમાં બેઠા કરવાની બહૂહેતુક એવી “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના”ની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રીએ આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું કે, કોરોના વાયરસને કારણે દેશમાં જે બે-અઢી મહિના લોકડાઉનની સ્થિતિ રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધા-રોજગાર કરતા કારિગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે. તેમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની અને રાજ્યના અર્થતંત્રને વેગ આપી ગુજરાત ફરી એકવાર દેશનું અગ્રીમ રાજ્ય બને તેવી આપણી નેમ છે. લોકડાઉનનો આજે આર્થિક માર પડ્યો છે. તેમાંથી આવનારા છ-બાર મહિનામાં આવા નાના ધંધા-વ્યવસાયકારો, કારિગરો રિકવર થઇ જાય અને આગળ વધે તે માટે આ નવી જાહેર થયેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અત્યંત મદદરૂપ થશે. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્યમાં ૧૦ લાખથી વધુ એવા નાના ધંધા-રોજગાર વ્યવસાયકારો જેમાં ધોબી, વાળંદ, ઇલેક્ટ્રીશ્યન, કરિયાણાની નાની દુકાન વગેરેનો સમાવેશ થાય છે, તેવા વર્ગોને આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂા.૧ લાખ સુધીની લોન રાજ્યની કો-ઓપરેટિવ બેંકોે, જિલ્લા હકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા માત્ર ર ટકાના વાર્ષિક વ્યાજે આપવામાં આવશે. જાહેરાતની વિશેષતાઓ આપતાં જણાવ્યું હતું કે, આવી લોન સહાય મેળવવા માટે લાભાર્થીએ માત્ર એક અરજી જ કરવાની રહેશે અને તેના આધારે રૂા.૧ લાખ સુધીની લોન તેને મળી જશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સામાન્યતઃ આવી લોન ઉપર ૧૦થી ૧ર ટકાનો માર્કેટ રેટ (ઇન્ટરેસ્ટ) લેવામાં આવતું હોય છે, પરંતુ રાજ્ય સરકારે આવા નાના કારીગરો, મધ્યમવર્ગના વેપારીઓની વર્તમાન સ્થિતિમાં માત્ર ર ટકા વ્યાજે બેંકો લોન આપે તેવી બેંકો સાથે બેઠકો યોજીને સુનિશ્ચિત કર્યું છે. આ બે ટકા ઉપરાંતનું એટલે કે ૬ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ જાહેરાત મુદ્દે વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ત્રણ વર્ષ માટેનો આવી લોન-સહાયનો કુલ વ્યાજ દર ર૦ ટકા જેવો થાય તેના સ્થાને લાભાર્થીએ માત્ર ૬ ટકા જ ભરવાના થશે બાકીના ૧૮ ટકા વ્યાજ રાજ્ય સરકાર આપશે. આવી લોન સહાય મેળવનારા નાના વેપાર વ્યવસાયકારોને લોન મેળવ્યાના પ્રથમ ૬ મહિના એટલે કે, મોરેટોરિયમ પીરિયડ દરમિયાન કોઇ હપ્તો કે વ્યાજ ભરવાનું રહેશે નહીં તેવી પણ મહત્ત્વની જોગવાઇ આ યોજનામાં કરેલી છે. તેમણે કહ્યું કે, રાજ્યની રર૦ અર્બન કો-ઓપરેટીવ બેંકની ૧,૦૦૦ શાખાઓ, ૧૮ જેટલી જિલ્લા સહકારી બેંકોેની ૧,૪૦૦ શાખાઓ અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા આવી લોન ત્રણ વર્ષ માટેની મુદ્દતની આપવામાં આવશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, લોન મેળવવાની સંપૂર્ણ વ્યવસ્થા નિઃશૂલ્ક રહેશે એટલે કે, અરજી ફોર્મ કે અન્ય કોઇ ફીની રકમ લાભાર્થીએ ચૂકવવી પડશે નહીં. તેમણે એવો વિશ્વાસ વ્યકત કર્યો કે, કુલ રૂા.પ હજાર કરોડ સુધીના આવા ધિરાણથી રાજ્યના ૧૦ લાખથી વધુ નાના વેપારીઓ, વ્યક્તિગત કારિગરો, શ્રમિક વર્ગને આ યોજનાનો લાભ મળવાથી સમાજના છેવાડાના વ્યક્તિને પણ આર્થિક આધાર મેળવી આત્મનિર્ભર થવાની અને લોકડાઉનની સ્થિતિ બાદ પૂનઃ બેઠા થવાની તક મળશે. મુખ્યમંત્રીએ આ યોજનામાં સંવેદનશીલતાથી સહયોગ આપનારા રાજ્યની સહકારી બેંકો, અર્બન કો-ઓપરેટીવ બેંકો, જિલ્લા સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓના સામાજિક અગ્રણીઓ પ્રત્યે પણ આભાર વ્યકત કર્યો હતો.