પ્રતિકાત્મક તસવીર

(સંવવાદદાતા દ્વારા) 

અમદાવાદ,તા.૧૫
રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાંથી પૂનઃ બેઠા કરવા મુખ્યમંત્રી એ જાહેર કરેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી તા.ર૧મી મેથી અપાશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આવા અરજી ફોર્મ રાજ્યભરમાં ૧૦૦૦ જેટલી જિલ્લા સહકારી બેન્ક શાખાઓ, ૧૪૦૦ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ અને ૭ હજારથી વધુ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઝ મળી નવ હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે.
આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને તા.૩૧મી ઓગસ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવવાનો નથી. આ યોજના અન્વયે નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા ૧૦ લાખ જેટલા વ્યકિતઓને ૩ વર્ષ માટે રૂા.૧ લાખ સુધીની લોન માત્ર ર ટકાના વ્યાજે આપવામાં આવશે આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે તેમજ માત્ર ર ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના પ્રથમ ૬ માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં આવશે નહિં. ૩ વર્ષ માટેની મુદતની આવી લોન સહકારી બેન્કોને ૮ ટકા વ્યાજે લાભાર્થીને આપવા મુખ્યમંત્રીએ કરેલી અપિલનો બેન્કોએ સુચારૂં પ્રતિસાદ આપ્યો છે.
મુખ્યમંત્રીએ આવા નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તેવા ઉદાત્ત ભાવથી રાજ્ય સરકાર બાકીના ૬ ટકા વ્યાજ ભરશે, તેવો પણ નિર્ણય કર્યા છે. આ મહત્વપૂર્ણ યોજના અંતર્ગત આવી લોન સહાય અંતર્ગત સમગ્રતયા અંદાજે પાંચ હજાર કરોડનું ધિરાણ પુરૂં પાડી લોકડાઉનની સ્થિતિમાંથી નાના ધંધો વેપાર-વ્યવસાયીકોને આર્થિક આધાર આપી પૂનઃ પૂર્વવત કરવામાં અને ૧૦ લાખ લોકોને આત્મનિર્ભર બનવામાં રાજ્ય સરકાર સહાયક બનશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીના સચિવે વ્યકત કર્યો હતો.