સિડની, તા.૭
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. મેચ શરૂ થતાં પહેલાં ટીમ ઈન્ડિયા રાષ્ટ્રગીત માટે ઊભી થઈ જ્યાં મોહમ્મદ સિરાજની આંખોમાંથી આંસુ છલકી ગયા, ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ થઈ ગયો. ક્લિપ જોઈને પ્રશંસકો પણ ભાવુક બની ગયા, લોકોએ મો. સિરાજની ભરપૂર પ્રશંસા કરી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ટીમ ઈન્ડિયાના ખેલાડી રાષ્ટ્રગીત માટે ઊભા છે. રાષ્ટ્રગીત સાંભળતા જ સિરાજની આંખમાંથી આંસુ નીકળી ગયા. પાસે જ ઊભેલા જસપ્રીત બુમરાહે તેને સંભાળ્યો અને ચહેરા પર હાસ્ય લાવી દીધું. પ્રશંસકો માટે પણ આ ભાવુક ક્ષણ બની ગઈ, લોકોએ સિરાજની ખૂબ પ્રશંસા કરી અને તેને સાચો ફાઈટર ગણાવ્યો. કેમેરામાં કેદ થયેલી આ ભાવુક ક્ષણ વિશે પૂછતાં સિરાજે કહ્યું કે, તે સમયે પિતાની યાદ આવી ગઈ હું ખૂબ જ ભાવુક હતો. તેઓ મને ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા માંગતા હતા. તેણે કહ્યું કે, કાશ તેઓ મને ભારત માટે રમતો જોઈ શકયા હોત. સિરાજ ઝડપી બોલર નવદીપ સૈની સાથે પણ વાત કરતો જોવા મળ્યો. સિરાજે કહ્યું કે, સૈની અને હું સાથે મળીને ભારત-એ માટે ઘણી મેચ રમ્યા છે. એટલા માટે અમે એક-બીજાને સારી રીતે જાણીએ છીએ. હું તેને ફક્ત એટલું કહી રહ્યો હતો કે, તે જ કર જે આપણે ઘરેલું ક્રિકેટ અને ભારત “એ” માટે રમતી વખતે કરતા હતા.
Recent Comments