(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૫
દેશભરમાં અનુ.જાતિ ઉપર થઈ રહેલા અમાનુષી અત્યાચાર સામે યોગ્ય પગલાં ભરવાની માગણી કરતું એક આવેદનપત્ર આજે ધોળકા ખાતે નાયબ કલેક્ટર આર.એમ. જાલંધરાને ધોળકા વાલ્મિકી સમાજ અને ધોળકા અનુ.જાતિ સમાજ દ્વારા પાઠવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોળકા વાલ્મિકી સમાજના આગેવાન અશોકભાઈ વાઘેલા, દલિત અધિકાર મંચ-ધોળકામાં દિનેશચંદ્ર ઝાલા, અનુ.જાતિ સમાજનાં અગ્રણીઓ હરીશભાઈ પરમાર, મહેશભાઈ સોનારા, રોહિતભાઈ ડોડિયા ઉપરાંત અનેક મહિલાઓ સહિત આશરે ૧૫૦ જેટલા લોકો હાજર રહ્યાં હતા. આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ભારતના અનુસૂચિત જાતિ પરના બનાવો ખૂન-ખૂની હુમલાઓ, બળાત્કાર, ધાક-ધમકી તેમજ અત્યાચારોની સંખ્યામાં રોજેરોજ ખૂબ જ વધારો થઈ રહ્યો છે ભારત સરકાર અને તેનું વહીવટીતંત્ર આવા બનાવો રોકવામાં વામણું પુરવાર થયેલ છે. ગુજરાતમાં આવેલ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી પર જાહેરમાં અજાણ્યા હુમલાખોર દ્વારા કરાયેલ ઘાતકી હત્યાની ઘટના કાયદાની પરિસ્થિતિ કથળતી દેખાય છે અને શાસન અને પ્રશાસન નિષ્ફળતા નરી આંખે દેખાય છે. ઉત્તરપ્રદેશમાં હાથરસમાં મનીષાબેન વાલ્મિકી પર હેવાનોેએ બળાત્કાર કરી તેમની જીભ અને કરોડરજ્જુ તોડી નાખી આ રાક્ષસી માનસ ધરાવતા નરાધમો સમાજ તેમજ ભારત દેશ માટે ખતરો પેદા કરી શકે છે. તો આવા નરાધમોને જલદીથી ફાસીની સજા થાય તેવા તાકીદે પગલાં લેવા જોઈએ. બલરામપુરમાં એક દેશની દીકરીને બળાત્કાર કરી ઝેરની દવા આપી મારી નાંખવામાં આવી અને હાલ તાજેતરમાં ગુજરાતના જામનગર જેવા વિકસિત શહેરમાં એક દીકરીને ઘેનની દવા આપી નરાધમોએ બળાત્કાર કર્યો છે. આવા બળાત્કારની ઘટના પ્રતિદિન વધતી જાય છે એ ભારતના સામાન્ય નાગરિક માટે જોખમ છે અને આજે વર્તમાન સરકારનું સૂત્ર “બેટી બઢાવો, બેટી પઢાઓ” પોકળ સાબિત થાય છે. આવી જ રીતે ભારત સરકાર આવી ઘટનાઓને નરી આંખે જોતી રહેશે. તો આવા નરાધમોને ભારતના દરેક ક્ષેત્રમાં જુલ્મો કરવાનો છૂટો દોર મળશે. તો આપ સાહેબને સમગ્ર વાલ્મિકી સમાજ ધોળકા તરફથી અપીલ કરવામાં આવે છે કે ભારતના અનુ.જાતિ ઉપર થતા અત્યાચારો બંધ કરાવો અન્યથા વાલ્મિકી સમાજ, સફાઈ કામદારો જાહેર સફાઈનો બહિષ્કાર કરી ઉગ્ર વિરોધ નોંધાવશે તેના કારણે આરોગ્યની ગંભીર પરિસ્થિતિ ઊભી થશે તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર તંત્રની રહેશે.
Recent Comments