(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૪
આણંદ જિલ્લાનાં તારાપુરમાં પેરેમાઉન્ટ હોટલની પાસે આવેલી જમીનનો કબ્જો મેળવવા માટે ખંભાતનાં પોલીસ ઈન્સપેકટરએ ભરવાડોને સાથે લઈ રાત્રીનાં સુમારે જેસીબી મશીન લઈ જમીનમાં આવેલી દુકાનોની તોડફોડ કરી ભય અને દહેસત ફેલાવતા આ અંગે તારાપુર પોલીસ મથકે પી.આઈ સહીત આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હોવા છતાં પોલીસ દ્વારા આજ દીન સુધી આરોપીઓની ધરપકડ નહી કરતા આજે પીડીતોએ આણંદ કલેકટર કચેરીના નાયબ ચીટનીસ તેમજ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવા તેમજ આરોપીઓ વિરૂદ્ધ ભુમાફિયા અને લેન્ડ ગ્રેડીંગ એકટ ૨૦૨૦ અને ગુંડા એકટનો ઉમેરો કરવાની માંગ કરી હતી.
મળતી વિગતો અનુસાર તારાપુરમાં ગત તા.૨૩ નવેમ્બરની રાત્રીનાં સુમારે પેરેમાઉન્ટ હોટલ પાસે આવેલી જમીનનો ગેરકાયદેસર કબ્જો લેવા માટે તારાપુરનાં તત્કાલીન પી.આઈ અને હાલમાં ખંભાત સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ ડી.એસ ગોહીલએ ભરવાડોનાં ટોળા અને જેસીબી મશીન સાથે જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મધ્યરાત્રીનાં સુમારે જમીનમાં આવેલી દુકાનોની તોડફોડ કરી આતંક મચાવ્યો હતો,તારાપુર પોલીસની હાજરીમાંજ તોડફોડ અને ગેરકાયદેસર રીતે કબ્જો મેળવવાનો પ્રયાસ કરાતા આ બનાવ અંગે પીડીતોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા ખંભાતનાં ડીવાયએસપીએ આવતા ભરવાડો જેસીબી મશીન મુકીને ભાગી ગયા હતા તેમજ પી.આઈ ડી.એસ ગોહીલ પણ ફરાર થઈ જતા આ બનાવ અંગે તારાપુર પોલીસે પી.આઈ ડી.એસ ગોહીલ અને ભરવાડો સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગે પીડીતો રીમાક્ષીબેન પટેલ,યાસીનભાઈ શેખ,ભરતભાઈ વાધેલા સહીતએ આજે કલેકટર કચેરી ખાતે નાયબ ચીટનીસને આવેદનપત્ર આપ્યું હતું,તેમજ પોલીસ અધિક્ષકને પણ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી,આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જમીનનો કબ્જો મેળવવા માટે તોડફોડ કરનારા શખ્સો અગાઉ પણ અપહરણ,મારામારી,સરકારી તેમજ ખાનગી જમીનો પર કબ્જો કરવો સહીતનાં ગુનાઓમાં સંડોવાયેલા છે,જેથી આ ગુનાની તપાસ ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે તેમજ આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેઓને જામીન ના મળે તે માટે યોગ્ય પગલા ભરવાની માંગ કરી હતી.તેમજ આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી દુકાનોમાંથી લુંટ ચલાવી લઈ ગયેલ સામાન રીકવર કરવાની પણ માંગ કરી છે.