અમદાવાદ, તા.૭
૧૪મી ગુજરાત વિધાનસભામાં ભાવનગર (ગ્રામ્ય)થી ચૂંટાયેલા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરૂષોત્તમ સોલંકીએ આખરે ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. પુરૂષોત્તમ સોલંકીને શપથ ગ્રહણ કરાવતા કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યે સ્વર્ણિમ સંકુલ ર, ગાંધીનગર ખાતે તેમની ચેમ્બરમાં તેમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતા.
કેબિનેટ કક્ષાનું પ્રધાનપદ અથવા તો સારા ખાતાની માગણી સાથે નારાજગી દેખાડવા માટે સોલંકીએ હજુ સુધી ધારાસભ્ય તરીકેના શપથ લીધા નહોતા. આમ પુરૂષોત્તમ સોલંકીએ નારાજગીની ચર્ચાઓ વચ્ચે શપથ ગ્રહણ કર્યા હતા. જો કે શપથ ગ્રહણ કર્યા બાદ સોલંકીએ જણાવ્યું કે તેઓ નારાજ નથી. મુખ્યપ્રધાને તેમને બાહેંધરી આપી છે કે તેમને મહત્ત્વનું ખાતુ ફાળવવામાં આવશે. જેથી તેઓ કે તેમનો સમાજ નારાજ નથી ત્યારે સોલંકીએ દાવો કર્યો કે તેઓ બહારગામ હોવાથી કેબિનેટમાં હાજર રહી શક્યા નથી.