(એજન્સી) નવી દિલ્હી, તા.૧
મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો થવા જઈ રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ અમિત શાહ સાથે એમના દિલ્હીના નિવાસે મીટિંગ કરી હતી. દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર રાજ્ય એકમના ભાજપાના અધ્યક્ષ આશિષ શેલર પણ ત્યાં હાજર હતા. મીટિંગ રાત્રે ૧૧ઃ૩૦થી ૧રઃ૩૦ સુધી ચાલી હતી. બુધવારે બધા ભાજપના મુખ્યમંત્રીઓની મીટિંગ ઉચ્ચ કક્ષાના નેતાઓ સાથે હતી. જેમાં મોદી, જેટલી, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી અને અન્ય વ્યક્તિઓ હાજર હતા. એ મીટિંગ પછી ફડણવીસ ત્યાં રોકાયા હતા અને રાણે સાથે અમિત શાહની મીટિંગમાં જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ નારાયણ રાણે પોતાની રણનીતિ બદલી ભાજપ સાથે હાથ મિલાવી રહ્યા છે. જે બાબત ચર્ચા કરવા ગયા હતા. શિવસેનાના વિકલ્પ તરીકે એનસીપીને સાથે જોડી શકાય કે, કેમ એ બાબત પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. રાણેએ કોંગ્રેસ સાથે થોડા મહિનાઓ પહેલાં જ છેડો ફાડ્યો હતો. એ પછી એમણે મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષની રચના કરી હતી. ભાજપ સાથે જોડાઈ એ કેન્દ્રમાં અથવા રાજ્યમાં મંત્રીપદ મેળવવા આશા રાખી રહ્યા છે. ભાજપ રાણેને રાજ્યસભાની બેઠક પણ આપી શકે છે. ૫૮ રાજ્યસભા સાંસદોની ચૂંટણી ર૩મી માર્ચે યોજાશે. મહારાષ્ટ્રમાં ૬ બેઠકો છે. જેમાંથી ભાજપને ત્રણ બેઠકો મળવાની શક્યતા છે. અમિત શાહ અન્ય પક્ષોની મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓને પોતાના પક્ષમાં જોડવા સફળ રહ્યા છે. આ પ્રકારની રણનીતિ એમને પૂર્વોત્તર ભારતમાં ખૂબ ફળી છે જ્યાં ભાજપને કોઈ ઓળખતો પણ ન હતો આજે ત્યાં ભાજપ સરકારો બનાવી રહ્યો છે.