(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના મામલે સંકળાયેલા નારાયણ સાંઈની સાધિકા ગંગા અને જમનાએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી વધુ એક મુદ્દત પડતા સુનાવણી રરમી જુલાઈના રોજ હાથ ધરાશે.પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૬ ઓક્ટોબર-૨૦૧૩ના રોજ જહાંગીરપુરા આશ્રમના નારાયણ સાંઈ અને તેની સેવીકાઓ તથા સાધિકો સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે નારાયણ સાંઈ, કૌશલ ઠાકુર, ગંગા-જમના સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતાં. ઈન્સાફી કાર્યવાહી તમામ આરોપીઓ વિરૂદ્ધ પુરી થતાં સુરત કોર્ટ નારાયણ સાંઈને આજીવન કેદ તથા ગંગા-જમાનાને ૧૦-૧૦ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. ત્યારબાદ ગંગા અને જમનાએ ગુજરાત હાઈકોર્ટમાં એક જામીન અરજી કરી હતી. જેની સુનાવણી ટળી જતાં વધુ સુનાવણી રરમી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. જો કે, આ બંને સાધિકાઓ તથા કૌશલ ઠાકુરે ગુજરાત હાઈકોર્ટમાં સજા સામે અપીલ કરી હોવાનું પણ જાણવા મળે છે.