અમદાવાદ,તા. ૨૦
શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ન્યુ આર વી ડેનિમ પાસે આવેલા અકબર એસ્ટેટના કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. ભયંકર એવી આ આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હી. આટલી એટલી ભીષણ અને વિકરાળ હતી કે, આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડ વિભાગના ૨૪ જેટલા ફાયર ફાઇટરની મદદ લેવાની ફરજ પડી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ શકાઇ હતી. જો કે, આ સમગ્ર બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સ્થાનિક રહીશો સહિત તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ન્યુ આરવી ડેનીમ પાસેના અકબર એસ્ટેટમાં આજે અચાનક જ કેમીકલના એક ગોડાઉનમાં પ્રચંડ અને ભીષણ આગ ફાટી નીકળી હતી.થોડી જ મિનિટોમાં આગની જવાળા સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી અને આખું ગોડાઉન આગની જવાળાઓમાં ભડભડ બળવા લાગ્યું હતું. આગનુ સ્વરૂપ એટલુ ભયંકર અને વિકરાળ હતું કે, આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના ૨૪ જેટલા ફાયર ફાઇટરોના કાફલા સાથે ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છતાં આગ કાબૂમાં લેવા બહુ જ ભારે જહેમત કરવી પડી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. છેક મોડી સાંજ બાદ આગને કાબૂમાં લઇ શકાઇ હતી. આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડતા હતા. લોકોના ટોળેટોળા આગના દ્રશ્યો જોવા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. જો કે, આગની આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી પરંતુ કેમીકલનો મોટો જથ્થો અન્ય માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો.