(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૧૦
આણંદ તાલુકાના નાવલી ગામના યુવકે લોકડાઉન દરમિયાન સમયનો સદઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ પવનચક્કી બનાવી પોતાના ઘર ઉપર લગાવી છે. આ પવનચક્કીથી પાવરબેંક, બાર વોલ્ટની બેટરી, મોબાઈલફોન સરળતાથી રિચાર્જ કરી શકાય છે. નાવલી ગામે રહેતા હિમાલય વિક્રમભાઈ પટેલે ફાર્મસીનો અભ્યાસ કરેલો છે અને હાલમાં તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તેઓએ સમયનો સદઉપયોગ કરી પોતાની આગવી કોઠાસુઝથી ઘરમાં પડેલા વેસ્ટેઝ સામાનનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ પવનચક્કી બનાવી છે. આ અંગે હિમાલય પટેલે જણાવ્યું હતું કે ઘરમાં પડેલી લાકડાની વેસ્ટ પટ્ટીઓ, બગડેલા ટેબલ ફેનના પાંખીયા, વોશીંગ મશીનની વેસ્ટેઝ ડ્રેનેજ મોટરનો ઉપયોગ કરીને તેઓએ આ પવનચક્કી બનાવી છે. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ ટેકનીકલ જ્ઞાન ધરાવતા નથી પરંતુ માત્ર પોતાની કોઠાસુઝ અને કૌશલ્યનો ઉપયોગ કરી તેઓએ આ વેસ્ટમાંથી બેસ્ટ પવનચક્કી બનાવી છે. જેનાથી મોબાઈલની પાવરબેંક, બાર વોલ્ટની બેટરી અને મોબાઈલ ફોન રીચાર્જ કરી શકાય છે. અને તેમાં નાની એલઈડી લાઈટ તેમજ ઘરના પેસેજમાં કે બાથરુમમાં જીરો વોલ્ટના બલ્બ ચાલુ કરી શકાય છે. તેમજ જો કોઈની ગેરેજ હોય તો તેમાં પણ આ પવનચક્કી લગાવીને વીજ પુરવઠો મેળવી શકાય છે. આમાં કોઈ ખર્ચો આવતો નથી. સામાન્ય ખર્ચમાં પવનચક્કીથી વીજ પુરવઠો મેળવી તેમજ બેટરી રીચાર્જ કરી જો પવન ન હોય તો પણ લાઈટ ચાલુ રાખી શકાય છે. જો પવન સારો હોય તો બહુ ઝડપથી બેટરી રીચાર્જ થઈ શકે છે તેમજ જ્યાં સુધી પવન હોય ત્યાં સુધી સીધી ઊર્જા પ્રાપ્ત થઈ શકે છે અને આ ઊર્જાને બેટરીમાં રીચાર્જ કરી પવન ન હોય ત્યારે પણ તેમાંથી ઊર્જા મેળવી શકાય છે. હાલમાં હિમાલય પટેલે પોતાના ઘરની ઉપર લગાવેલી આ પવનચક્કી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને હિમાલય પટેલે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી બનાવેલી પવનચક્કી સાચા અર્થમાં ઊર્જાનું ઉત્પાદન કરી વીજળી બચાવવામાં મદદરૂપ બની શકે છે.