(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
ટોલનાકા પર ફાસટેગનો વિરોધ કરી રહેલા દર્શન નાયકને અચાનક જ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાના પ્રમુખના નિર્ણય સામે ચોમેરથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે.
સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે ગત ટર્મમાં ભાજપના દિગ્ગજ નેતા અશ્વિન દાઢીને પરાજિત કરી સભ્યપદ હાંસલ કર્યું હતું. દર્શન નાયકના કટ્ટર હરિફ ગણાતા જગદીશ કનાજ નામના અત્યંત આળસીને જિલ્લા પંચાયતના પ્રમુખપદનો તાજ સોંપી દેવામાં આવતા બંને વચ્ચેનો શીતયુદ્ધ આગળ ધપ્યો હતો.
કેન્દ્ર સરકારના નિર્ણય પછી જિલ્લાના આગેવાનો સાથે મળીને ના-કર આંદોલન ચલાવી રહેલા દર્શન નાયકને ચોમેરથી આવકાર મળી રહ્યો હોવાથી જિલ્લા પ્રમુખના પેટમાં તેલ રેડાયું હતું અને આખરે આજે દર્શન નાયકને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યની તમામ લોકલ બોડીને સમાપ્ત કરવાની ઘોષણા કરી હતી ત્યારથી તમામ હોદ્દેદારોની કાયદેસરતા મટી ગઈ હતી અને તેઓ કાર્યવાહક હોદ્દેદાર બન્યા છે. આવામાં કોઈને સસ્પેન્ડ કરવાની સત્તા કોણે આપી એ યક્ષ પ્રશ્ન છે.