દાહોદ,તા.૨૬
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે ગતમધ્યરાત્રીના સમયે આઠથી દશ જેટલા અજાણ્યા લુંટારૂઓએ એક ઘરમાં પ્રવેશ કર્યો હતો અને પરિવારજનોને બંદુકની અણીએ બાનમાં લઈ અંદાજે રૂા.૪૦ હજારની સનસનાટી ભરી લુંટ ચલાવી અંધારાનો લાભ લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે ગતમધ્યરાત્રીના સમયે ગામમાં રહેતો એક પરિવાર જમી પરવારી પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહ્યો હતો તે સમયે આઠ થી દશ જેટલા બંદુક તેમજ મારક હથિયારો સાથે આવ્યા હતા અને પરિવારને બંદુકની અણીએ બાનમાં લીધા હતા અને મારી નાંખવાની ધમકી આપી હતી. લુંટારૂઓએ ઘરમાંથી તેમજ પરિવારજનોએ શરીરે પહેરેલ દાગીના મળી અંદાજે રૂા.૪૦ હજાર ઉપરાંતની લુંટ ચલાવી નાસી ગયા હતા. આ ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો દોર ધમધમતો કર્યો છે.