ભાવનગર, તા.૧૯
ભાવનગર જિલ્લાના જાળિયા ગામે નિંદ્રાધીન વૃદ્ધ દંપત્તિને માર મારી સોનાના બુટિયા સહિતની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકાના જાળિયા ગામે રહેતા કોળી જાદવભાઈ ઓધાભાઈ પરમાર (ઉ.વ.૬પ) અને તેમના પત્ની ગોદાવરીબેન (ઉ.વ.૬૦) વાડીએ મકાનમાં સૂતા હતા ત્યારે મોડી રાત્રે અઢી વાગે અજાણ્યા ત્રણથી ચાર શખ્સો ઘૂસી આવ્યા હતા અને ગોદાવરીબેનને માથામાં અને હાથમાં માર મારી તેના કાનમાં પહેરેલ સોનાના બુટિયા અને છકડી તથા સોનાની માળા ખેંચી લૂંટી લીધી હતી. આ શખ્સોએ ગોદાવરીબેનના કાનમાંથી કડિયો નિર્દયતાપૂર્વક ખેંચી કાઢતા બંને કાન લોહી-લુહાણ થઈ ગયા હતા. જાદવભાઈ તેમને રોકવા જતા આ શખ્સોએ જાદવભાઈના માથામાં અને હાથમાં માર મારી નાસી છૂટ્યા હતા. પતિ-પત્ની બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવ અંગે પાલિતાણા રૂરલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.