(એજન્સી) તા.૪
શુક્રવારે આશરે ૨૦ લોકોનું ટોળું દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં ધસી આવ્યું હતું અને તેણે ડૉર-ટૂ-ડૉર જઈને કોરોના વાઈરસ અંગે સર્વે હાથ ધરવાની શરૂઆત કરી હતી. જોકે આ સભ્યો કોઈ સરકારી સભ્યો નહોતા. તેઓ પોતાને દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
જ્યારે તેમના દ્વારા પૂછવામાં આવતાં સવાલો પર લોકોને શંકા ઊભી થઈ તો સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા. તેઓ કહેતા હતા કે સ્વાસ્થ્ય વિભાગના ડિરેક્ટોરેટએ તેમને આ સવાલો પૂછવાની સત્તા આપી છે. જોકે આ મામલે જ્યારે ડિરેક્ટોરેટનો સંપર્ક કરાયો તો તેણે જણાવી દીધું કે અમે આ મામલે કોઈ સરવે હાથ ધર્યો નથી. આ તમામ લોકો સામે જ્યારે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો તો તેઓ એકાએક નાસી ગયા હતા.
એક હિન્દી પેજનું ફોર્મ તેમની પાસે હતું જેના પર હેડિંગ માર્યુ હતું કે આ કોરોના વાઈરસ અંગે હાથ ધરવામાં આવી રહેલું સર્વે છે. આ ફોર્મમાં તેમના પરિવારના હેડની વિગતો, સરનામા, મોબાઇલ નંબર, પરિવારના સભ્યોની વિગતો પણ માંગવામાં આવી હતી. તેઓ એવા પણ સવાલ કરી રહ્યા હતા કે તમારા ઘરમાં કોઇને તાવ, ઉધરસ કે ગળામાં દુઃખાવો કે શ્વાસમાં તકલીફ જેવી સમસ્યા તો નથી ને ?
જો કે તેમનું આ સર્વે ફોર્મ એનપીઆર જેવું જ લાગી રહ્યું હતું. લોકોને જ્યારે આ મામલે શંકા થઇ તો તેઓએ આ મામલે દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક સાધ્યો અને આ સરવેની વિગતો માગી. ત્યાંથી આવો કોઈ સરવે હાથ ન ધરાયાની પુષ્ટી થઈ. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્યનો પણ સંપર્ક કરાયો. તેમણે કહ્યું કે આ તો ફેક સર્વે લાગે છે. આ દરમિયાન જ તેઓ નાસી ગયા હતા.
જો કે સ્થાનિકોએ જણાવ્યું કે અમને વધુ શંકા તો ત્યારે થઇ જ્યારે આ સરવે કરનારા લોકો પોતાને આઘા ઘાન ફાઉન્ડેશન તરફથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે તેમના હાથમાં દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગના ફોર્મ હતા. એક સર્વે કરનારા ફેક અધિકારીને પકડવામાં આવ્યો તો તેની પાસે કોઈ આઈકાર્ડ નહોતું પરંતુ લૉકડાઉનમાં હરવા-ફરવા માટે મંજૂરી કાર્ડ જરૂરથી હતું. તે ફક્ત મોઢેથી કહી રહ્યો હતો કે તે આઘા ખાન ટ્રસ્ટ તરફથી આવ્યો છે.
નિઝામુદ્દીન : બિનસત્તાવાર જૂથ ડૉર-ટુ-ડૉર કોરોના વાઈરસ સંબંધિત ફેક સરકારી સર્વે હાથ ધરી રહ્યું હતું, સ્થાનિકોના આક્રોશ બાદ નાસી ગયા

Recent Comments