અમદાવાદ, તા.૨૫
સનસનાટીપૂર્ણ નિત્યાનંદ આશ્રમ મામલામાં ઊંડી તપાસનો દોર જારી રહ્યો છે ત્યારે હાલમાં અટકાયતમાં લેવામાં આવેલી સાધિકાઓની ભાષાને લઇને પોલીસ પણ મુશ્કેલી અનુભવી રહી છે. સાધિકાઓ માત્ર અંગ્રેજી ભાષામાં વાત કરે છે તેથી પોલીસને કડીઓ સમજાઈ રહી નથી. નિત્યાનંદ આશ્રમ કેસમાં તપાસ કરી રહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસના કર્મચારીઓને બંને ધરપકડ કરવામાં આવેલી સાધિકાઓની અંગ્રેજી ભાષા સમજાઈ રહી નથી. પોલીસનું કહેવું છે કે, કડીઓ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે. રવિવારના દિવસે મહિલા અધિકારીઓ સહિત ચાર પોલીસ અધિકારીઓએ સાધિકાઓની પુછપરછ જારી રાખી હતી. કેસમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ સાધિકાઓ માત્ર અંગ્રેજીમાં વાત કરે છે જેથી પુછપરછ કરનાર અધિકારીઓને પણ મુશ્કેલી નડી રહી છે. બીજી બાજુ હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતા મામલે તેના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી છે. જેની આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી છે. ગુજરાત હાઈકોર્ટમાં થનારી સુનાવણી ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કોર્ટમાં તર્કદાર દલીલો રજૂ કરવામાં આવનાર છે. બીજી તરફ હજુ સુધી ભારે ચર્ચામાં રહેલી અને અનેક સસ્પેન્સ જગવનાર બંને બહેનો પણ આવતીકાલે ભારત આવી કોર્ટ સમક્ષ હાજર થાય તેવી શક્યતા જણાઈ રહી છે. બંને બહેનોએ ભારત આવતા પહેલા કેટલીક શરતો મુકી છે જેને લઇને પોલીસ કેવું વલણ અપનાવે છે તેના ઉપર તમામની નજર રહેશે. પોલીસે બંને બહેનોને પ્રોટેક્શન આપવાની તૈયારી પણ દર્શાવી છે પરંતુ તેઓ પોલીસ નહિ હાઇકોર્ટ કહે તો જ આવવા તૈયાર છે. અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જાહેર કરી બંને બહેનોએ તા.૨૬ નવેમ્બરના રોજ ભારત આવશે તેમ કહ્યું છે. દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું હતું કે બંને બહેનોને શોધવા ખુબ જ પ્રયત્ન કર્યા છે. આવતીકાલે હાઇકોર્ટમાં અમે રિપોર્ટ કરાવવાના છીએ. તેઓ વાતચીત કરે છે, તેઓને આવવા માટે કહ્યું છે. બંને બહેનોને અમે પ્રોટેક્શન આપવા તૈયાર છીએ. છતાં તેઓ આવવા માટે તૈયાર નથી. હાઇકોર્ટ કહે તો જ આવશે તેવું કહે છે. હવે આવતીકાલે હાઇકોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન અદાલત દ્વારા શું વલણ અપનાવાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે.