• સોનાગઢના ડોસવાડા ગામે ભાજપના માજી મંત્રી ક્રાંતિ ગામિતની પૌત્રીની સગાઈના પ્રસંગમાં ડીજેના તાલે સેંકડો લોકોની ભીડ ગરબે ઘૂમી • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ : તંત્રના આંખ આડા કાન : લોકોમાં રોષ

અમદાવાદ,તા.૧
રાજયમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને લઈ તંત્ર સફાળુ જાગ્યું છે અને સંક્રમણ અટકાવવા નિયમો ઘડી પગલાં ભરવાનું શરૂ કર્યું છે પણ આ પગલાં અને નિયમો સામાન્ય માણસો માટે હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓ માટે કોઈ નિયમો છે જ નહીં તેવું લાગી રહ્યું છે. સામાન્ય વ્યકિતના મોઢા પરથી માસ્ક હટી જાય તો પણ દંડ લેવાય છે. લગ્નની મંજૂરી માટે કલાકો પોલીસ સ્ટેશનની લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારે ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં હજારો લોકોનો જમાવડો થયાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. હાલ કોરોના કાળમાં સોનગઢના ડોસવાડમાં ભાજપના કદાવર નેતા કાંતિ ગામિતની પૌત્રીની સગાઈ અને તુલસી વિવાહના કાર્યક્રમમાં ડીજેમાં તાલે સેંકડો લોકોની ભીડ ગરબે ઘુમતી હતી. સગાઈના પ્રસંગમાં કોઈપણ જાતની તકેદારી રાખવામાં આવી ન હતી. કોરોનાની માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. હજારોની મેદની સાથેના સગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોને આંખ આડા કાન કરનાર તાપી પોલીસ અને વહીવટીતંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સામાન્ય માણસે માસ્ક ન પહેર્યું હોય તો સ્થળ પર જ દંડ વસૂલતી પોલીસ નેતાઓના ઘરે ઉજવાતા પ્રસંગોએ નિયમોની ધજાગરા ઉડતા હોવા છતાં મુક પ્રેક્ષક બની રહે છે. તે અંગે પણ લોકોમાં વિભિન્ન ચર્ચાઓ જોવા મળી હતી. સરકાર દ્વારા મરણ તેમજ લગ્ન પ્રસંગે લોકોની ભીડ જમા ન થાય તે માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મરણ પ્રસંગમાં પ૦ અને લગ્ન પ્રસંગમાં ૧૦૦ વ્યકિતઓની મજુરી આપી છે. શું ભાજપના આ કદાવર નેતાને સરકારની આ ગાઈડલાઈન ખબર નહીં હોય આટલી ભીડ ભેગી કરતા બદલ તેમની સામે કડક પગલાં લેવાશે ? જેવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.

 

મારી ભૂલ થઈ માફી માંગું છું : ભાજપના નેતા
અમદાવાદ, તા.૧
તાપીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવા મામલે ભાજપના નેતા કાંતિ ગામિતને પોલીસ સ્ટેશન બોલાવાયા હતા. તેમણે પીઆઈને જવાબ આપ્યા છે. પોલીસ આ અંગે સ્થળ પર જઈ તપાસ કરશે. જ્યારે આ મામલે ભાજપના નેતા કાંતિ ગામિતે પોતાની ભૂલ સ્વીકારી છે અને માફી માંગી હતી. કાંતી ગામિતે કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા તે માટે હું માફી માંગું છું, હવે હું સાચવીશ. ગામડામાં કોરોનાના કેસ ઓછા છે તેમ સમજીને લોકો આવ્યા હતા. સગાઈ જ કરવાની છે તેમ માનીને અમે કાર્યક્રમ યોજયો હતો. થઈ ગયું એ થઈ ગયું. અમે આમંત્રણ નહોતું આપ્યું પરંતુ ગામડામાં લોકો આવી જ રીતે આવી જાય છે. વોટ્‌સએપના આમંત્રણ પર લોકો આવ્યા હતા. જેને લઈને અમે ૧પ૦૦થી ર૦૦૦ લોકોનું જમવાનું તૈયાર રાખ્યું હતું.

ગાંધીનગરમાં પડઘા : ગૃહમંત્રીએ આપ્યો તપાસનો આદેશ
અમદાવાદ, તા.૧
ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈમાં હજારો લોકોની ભીડ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. સોનગઢના ડોસવાડામાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચ્યા હતા. જે અત્યારે કોરોના કાળમાં કેટલું ઘાતક છે તે કહેવાની જરૂર નથી. આ અંગેનો વીડિયો ઝડપથી વાયરલ થતા ઠેર-ઠેર ભાજપ પક્ષની અને સરકારની કડક કાર્યવાહીઓની થું-થું થવા લાગી હતી. આ ઘટનાના પડઘા છેક ગાંધીનગરમાં પડ્યા છે. આ અંગે લોકોને જવાબ આપવા પણ તંત્રને ભારે પડી રહ્યા છે. ત્યારે આ અંગે વીડિયો અને તેના વિશ્લેષણને આધારે તપાસ કરવાનો તાત્કાલિક આદેશ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે આપ્યા છે. ત્યારે આ અંગે શું ખરેખર ભાજપના નેતા સામે કોઈ પગલાં લેવાશે ? જેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. જો કે, શું પગલાં લેવાશે તે આવનાર સમય નક્કી કરશે.

નેતાએ ‘માફી’ માંગી : સામાન્ય નાગરિક માંગશે તો ચાલશે ??
ભીડ ભેગી કરવા મામલે ભાજપના નેતાએ સોરી કહી દીધું છે. ત્યારે લોકોમાં આ મુદ્દે ચર્ચા વેગવંતી બની છે. શું ભાજપના નેતાઓ સોરી અને ભૂલ થઈ ગઈ એવું કહીને રેલીઓ અને પ્રસંગો કરે તો ચાલે. પરંતુ સામાન્ય માણસ ૧૦૦ વ્યક્તિનો લગ્નપ્રસંગ પણ ન ગોઠવી શકે કે, પછી માસ્ક ન પહેર્યું હોય તો પણ હજારોના દંડ અને આકરી કાર્યવાગી કરવામાં આવે છે. તો શું સામાન્ય નાગરિક પણ આવી રીતે સોરી કે ભૂલ થઈ ગઈ કહી દેશે તો ચાલશે ? આ ભાજપના નેતાઓ દ્વારા વારંવાર કોરોના ગાઈડલાઈનનો ભંગ થયાના બનાવો લોકચર્ચામાં આવ્યા હતા.

ગુજરાતમાં બે કાયદા : ભાજપ માટે અલગ અને પ્રજા માટે અલગ : કોંગ્રેસ
ભાજપના નેતાની પૌત્રીની સગાઈ પ્રસંગમાં ભીડ એકઠી થતા આ મામલે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કટાક્ષ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ૨ અલગ અલગ કાયદાઓ ચાલે છે. એક ભાજપ માટે અને બીજા સામાન્ય પ્રજા માટે. જો આ નિયમનું ઉલ્લંઘન કોઈ સામાન્ય પ્રજા કે વિપક્ષમાંથી કોઈએ કર્યું હોત તો પોલીસ અને તંત્રએ આકરી કાર્યવાહી કરી હોત. એટલે નિયમો માત્ર ભાજપ સિવાયના લોકો માટે છે તેવું લાગી રહ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.