(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૩
વિધાનસભામાં કોંગ્રેસના ત્રણ સભ્યોને એકથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો મુદ્દો નિયમ વિરૂદ્ધ અને બંધારણીય અધિકારોના ઉલ્લંઘન સમાન હોવાનું જણાવતા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાના નિયમોથી ઉપરવટ જઈને સજા આપી શકાય નહીં તેમ જણાવી ઉમેર્યું હતું કે, નિયમ વિરૂદ્ધની સત્તાને જો ચલાવી લેવામાં આવે અને વિધાનસભાના નિયમોનો અનાદર કરવાનો અધિકાર અધ્યક્ષના પદને આપવામાં આવશે તો ભવિષ્યમાં એવું પણ બની શકે કે બહુમતીના જોરે સમગ્ર વિપક્ષને પાંચ વર્ષ સુધી ગૃહની કાર્યવાહીમાંથી દૂર રાખી વિપક્ષને દબાવવાનો હીન પ્રયાસ પણ થઈ શકે. વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત અને સસ્પેન્શનનો મુદ્દો અલગ છે. બંનેને સાંકળીને સમાધાનનો કોઈ મુદ્દો નથી તેમ જણાવતા વધુમાં કહ્યું હતું કે વિધાનસભાની કાર્યવાહી નિયમ વિરૂદ્ધ ચાલે તો અવિશ્વાસની દરખાસ્ત આવી શકે. જ્યારે ત્રણ સભ્યોના સસ્પેન્શનનો મુદ્દો નિયમોમાં જે સજાની જોગવાઈ છે તેનાથી વધુ સજા કરી હોઈ તે અંગે કોંગ્રેસ અલગથી લડશે. નીચલી કોર્ટના હુકમ સામે ઉપલી કોર્ટમાં અપીલ કરી શકાય તેમ જનપ્રતિનિધિને થયેલ અન્યાય સામે અપીલની જોગવાઈ ન હોય તો તે બંધારણીય રીતે વાજબી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૃહમાં અશિસ્ત આચરનાર સામે પગલાં લેવા જ જોઈએ પરંતુ તે સજા કાયદાઓની જોગવાઈના દાયરામાં રહીને થવી જોઈએ. દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને પણ વીટો પાવર જેવી મર્યાદિત સત્તા આપવામાં આવી નથી ત્યારે અધ્યક્ષને નિયમોની ઉપરવટ જઈ નિર્ણય લેવાની સત્તા હોઈ શકે ખરી ? વિધાનસભાના નિયમો મુજબ સત્ર સમાપ્તિ સુધી જ સજા થઈ શકે. બહુમતિના જોરે આ રીતે નિયમ વિરૂદ્ધની સત્તાને જો ચલાવી લેવામાં આવે અને વિધાનસભાના નિયમોનો અનાદર કરવાનો અધિકાર અધ્યક્ષના પદને આપવામાં આવશે તો આગામી સમયમાં સરકાર દ્વારા બહુમતીના જોરે વિપક્ષને દબાવવાના હિન પ્રયાસો પણ થઈ શકશે. આ મુદ્દે સૌએ સામૂહિક રીતે વિચારીને આગામી પેઢી માટે લોકશાહીને બચાવી રાખવા ઉપસ્થિત થયો છે. એટલે કે અધ્યક્ષની અમર્યાદિત સત્તાને રોકવી તે લોકશાહીના જતન માટે જરૂરી છે એમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.