(એજન્સી) મુંબઇ, તા. ૨
સામાન્ય બજેટ ૨૦૧૮ રજૂ થયાના એક દિવસ બાદ જ શેરબજારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૮૩૯ પોઇન્ટના ધરખમ ઘટાડા સાથે ૩૫૦૬૬ના સ્તરે આવી ગયું છે જ્યારે નિફ્ટીમાં પણ ૨૫૬ના ઘટાડા સાથે તે ૧૦૭૬૦ના સ્તરે બંધ રહેવા પામ્યું હતું આ સાથે જ તેણે ઘણા સમય પછી ૧૧૦૦૦ની સપાટી ગુમાવી હતી. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી અરૂણ જેટલીએ ફરીવાર બજાર માટે નિરાશાજનક બજેટ રજૂ કર્યું હતું તેના કારણે શેરબજારમાં સતત બીજા બજેટના વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી મહત્વની વાત એ છેકે, નોટબંધીને પગલે ધરાશાયી થયેલા સેન્સેક્સ બાદ આ સૌથી મોટો ઘટાડો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ મિડકેપ ઇન્ડેક્ષમાં પણ ૪.૩૪ ટકા અને સ્મોલ કેપમાં ૬.૦૬ ટકા નબળાઇ જોવા મળી હતી. સેક્ટોરિયલ ઇન્ડેક્ષની વાત કરવામાં આવે તો આઇટીને બાદ કરતા તમામ સૂચકાંક ઘટાડાના નિશાનમાં કારોબાર કરીને બંધ રહ્યા હતા.સૌથી વધુ વેચવાલી રિયલ્ટી શેરોમાં જોવા મળી હતી. બેંક ૨.૮૩ ટકા, ઓટો ૩.૩૫ ટકા, એફએમસીજી ૦.૬૩ ટકા, મેેટલ ૩.૦૨ ટકા, ફાર્મા ૧.૨૭ ટકા અને રિયલ્ટીમાં ૬.૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં સામેલ શેરોની વાત કરવામાં આવે તો પાંચ ગ્રીન નિશાનમાં અને ૪૫ ઘટાડા સાથે કારોબાર બંધ રહેવા પામ્યા હતા. સૌથી મોટો ઘટાડો અલ્ટ્રા સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો, ગેલ અને ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના શેરોમાં જોવા મળ્યો હતો. બીજી તરફ મહિન્દ્રા, એચસીએલટેક, ટીસીએસ, ઇન્ફોસિસ અને હિંદુસ્તાન લિવરને શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
બજારમાં ઘટાડાના કારણ : નાણામંત્રી અરૂણ જેટલીએ સૂચિબદ્ધ શેરો, ઇક્વિટી ફંડો તથા બિઝનેશ ટ્રસ્ટોના યુનિટોના હસ્તાંતરણમાંથી આવેલા એક લાખ રૂપિયાથી વધુના લાંબાગાળાના કેપિટલ ગેઇન પર ૧૦ ટકાના દરે ટેક્ષ લગાવવાનો પ્રસ્તાવ કર્યો છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે, શેરબજારમાં કડાકો આના કારણે જ થયો છે. નોંધનીય છે કે, આમાં ઇન્ડેક્શેસનનો લાભ મળવાની છૂટ નહીં મળે. એટલું જ નહીં હવે ઇક્વિટી ફંડોની વિતરિત આવક પર પણ ૧૦ ટકાના દરે કર લાગશે. હાલ ઇક્વિટી શેરો, ઇક્વિટી ફંડો તથા બિઝનેસ ટ્રસ્ટોના યુનિટોમાંથી પ્રાપ્ત થનાર લાંબાગાળાના કેપિટલ ગેઇન પર કોઇ પ્રકારનો કર લાગતો નહોતો. પાછલા એક-બે વર્ષથી શેર બજારમાં સતત વૃદ્ધી જોવા મળી રહી હતી જોકે, બજેટને કારણે તેમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.
રૂપિયો વધુ નબળો થયો : શુક્રવારે કારોબારી સત્ર દરમિયાન ડોલરના મુકાબલે ભારતીય રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો ૧૬ પૈસા નબળો થઇને ૬૪.૧૮ના સ્તરે બંધ રહ્યો હતો. ગુરૂવારના બજારમાં ભારતીય રૂપિયામાં ૪૪ પૈસાનો ઘટાડો થયો હતો અને ૬૪.૦૨ના સ્તરે બંધ રહ્યો હતો. આ આંકડો છેલ્લા બે અઠવાડિયામાં સૌથી ઓછો હતો.
બજારમાં કડાકો નાણામંત્રી
અંદાજપત્રીય પગલાંને આભારી
બજેટમાં અરુણ જેટલી દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. ઇક્વિટી ઉપર આની શરૂઆત થઇ છે. ઉપરાંત ઘણા વર્ગોમાં સિક્યુરિટી ટ્રાન્ઝિક્શન ટેક્સ (એસટીટી) જાળવી રખાતા પ્રશ્નો ઉભા થયા છે
વર્ષ ૨૦૧૮ માટે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ બજેટમાં જીડીપીના ૩.૫ ટકા સુધી કરી દેવાતા તેની અસર દેખાઈ છે. અગાઉ ૩.૨ ટકાથી વધારીને તેને ૩.૫ ટકા કરાયો છે જેથી કારોબારીઓ હચમચી ઉઠ્યા છે
ખરીફ અથવા તો ઉનાળા પાક માટે ઊંચા એમએસપીની સરકારની હિલચાલ તથા ગ્રામીણ વપરાશને લઇને વધુ બજેટથી મોંઘવારી વધવાની વાત કરવામાં આવી રહી છે
ટેક્સના મોરચે બજેટમાં કોઇ નક્કર જાહેરાત ન થતાં દુવિધાભરી સ્થિતિ સર્જાઈ ગઈ છે
એશિયન બજારમાં તીવ્ર વેચવાલીનું મોજુ રહ્યું છે. જાપાની નિક્કીમાં ૧.૩ ટકાનો કડાકો બોલાયો છે. સ્થાનિક કરન્સીમાં કડાકો અને અન્ય પગલાની સીધી અસર બજાર પર જોવા મળી છે
ફ્લેગશીપ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ માટે ફાળવણીને લઇને દુવિધા પણ રહેલી છે. તેની સીધી અસર જોવા મળી છે
Recent Comments