(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૬
આણંદના ખંભાત શહેરમાં અકબરપુર સહિત વિવિધ વિસ્તારોમાં થયેલા તોફાનોમાં કટ્ટરવાદી તત્ત્વો દ્વારા લઘુમતી સમાજના લોકોની માલ-મિલકતોની લૂંંટફાટ કરી આગ ચાંપી સળગાવી દેવાની ઘટના બાદ પોલીસ દ્વારા પણ ભેદભાવભરી નીતિ અપનાવી લઘુમતી સમાજના વધુ આરોપીઓ દર્શાવતા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન ચિરાગ શેખે આજે ખંભાત ખાતે પીડિતોને મળી તેઓની રજૂઆતો સાંભળી હતી અને ત્યારબાદ તેઓએ રેન્જ આઈજીપી એ.કે. જાડેજાને પણ મળીને રજૂઆત કરી લઘુમતીઓ સાથે અન્યાય અને ભેદભાવ ના થાય અને તટસ્થ તપાસ થાય તે માટેની માંગ કરી હતી. વડોદરાના ચિરાગ શેખે આજે અકબરપુર વિસ્તારમાં તોફાની તત્ત્વો દ્વારા લઘુમતીઓના સળગાવી દેવાયેલા મકાનો તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને પીડિત પરિવારોને આશ્વાસન આપ્યું હતું, તેમજ ત્યારબાદ તેઓ દ્વારા બાવા બાજીશા દરગાહ તેમજ વિસ્તારમાં સળગાવી દેવાયેલા લઘુમતી સમાજના મકાનો નિહાળ્યા હતા અને સાલવા ખાતે રાહત કેમ્પની મુલાકાત લઈ તમામ પીડિતોને આશ્વાસન આપી તેઓને ન્યાય મળે તે માટે તમામ સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી. ચિરાગ શેખે સ્થાનિક શહેર કાઝી હાજી મુદ્દસ્સરઅલી બાપુ, બાબુ ટુડે સહિત આગેવાનો સાથે અમદાવાદ રેંજના આઈજી એ.કે. જાડેજા તેમજ નવા એસપી અજીત રાજિયાનીને મળીને તોફાનોની તપાસ તટસ્થ રીતે થાય, લઘુમતીઓ સાથે અન્યાય થાય નહી, તેમજ સાચા આરોપીઓને પકડવામાં આવે, પરંતુ નિર્દોષ લોકોને ખોટી રીતે આરોપી બનાવી કેસમાં સંડોવવામાં ના આવે, લઘુમતીઓમાં ભય અને દહેશતનો માહોલ છે, ત્યારે તેઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ પેદા થાય તેવી કાર્યવાહી કરવા અને રાજ્યભરમાં શાંતિ પ્રસરી રહી છે, ત્યારે શા માટે માત્ર ખંભાતમાં અશાંતી ફેલાવવામાં આવી રહી છે, તેની તેના મૂળમાં તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે મંજૂરી વિના એકત્ર થઈ સભા સંબોધનારા પૂર્વ ધારાસભ્ય સહિત હિંદુ આગેવાનો દ્વારા ઉશ્કેરણી કરાયા બાદ તોફાનોના બનાવમાં પોલીસ દ્વારા માત્ર જાહેરનામાના ભંગનોે ગુનો નોંધાયો છે. તેમાં તોફાનો માટે ઉશ્કેેરણી કરવાના ગુનાની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરી હતી, જે અંગે અધિકારીઓ દ્વારા તપાસ સાચી અને તટસ્થ થશે તેવો વિશ્વાસ અને ખાત્રી આપવામાં આવી હતી, ચિરાગ શેેખે તમામ મુસ્લિમ આગેવાનો સાથે પણ શહેરમાં ઝડપથી શાંતિ પ્રસરે અને ભાઈચારાની ભાવના ફરી સુદૃઢ બને તે માટે પણ ચર્ચાઓ કરી હતી.