સુરત, તા.૧૧
સુરત શહેરમાં મોબલિંચીગના વિરોધમાં નિકળેલ મૌન રેલીમાં પોલીસ અને રેલીમાં જોડાયેલ લોકો વચ્ચે થયેલ ઘર્ષણ બાદ પોલીસ દ્વારા જે બિન-કસુરવાર (નિર્દોષ) વ્યક્તિઓને જબરજસ્તી તેમના ઘરમાંથી ઉપાડી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સુરત શહેરના ખંડેરાવપુરા ખાતે રહેતા ફરહાના બાનુ કે જેમના પતિ શબ્બીર ખ્વાજાને મંગળવારે રાત્રે પોણા ત્રણ કલાકે તેમના એપાર્ટમેન્ટમાં આવી દરવાજાને જોર જોરથી દંડે વડે મારી દરવાજો ખોલાવી મારા પતિને ઘરમાંથી જબરજસ્તી ઉપાડી ગયા હતા. ફરહાના બાનુએ જણાવ્યું હતું કે બનાવના દિવસે મારા પતિ કામરેજના વાલક ખાતે કામ અર્થે ગયા હતા તેમની ફૂટેજ અમારી પાસે હોવા છતાં પોલીસે અમારી એક ન સાંભળી મારા પતીને જબરજસ્તી પોલીસ મથકે લઇ જઇ પાંજરે પુરુ દીધા હતા. તેજ વિસ્તારમાં રહેતા અસલામ જાવીદ શેખની પત્નીએ જણાવ્યું હતું કે મંગળવારે મોડી રાત્રે ઘરમાં ઘુસી મારી પતીને જબરજસ્તી ઉંચકી ગયા હતા. બનાવ બન્યો તે દિવસે મારા પતિ અમારી દુકાન ઉપર હોવા છતાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે સીસીટીવી ફુટેજ તમારી પાસે હોય તો બતાવો? અમારી દુકાનમાં સીસીટીવી કેમેરા નથી તો અમે ગુનેગાર થઇ ગયા ? તેેમ કહેવા છતાં મારા પતીને ઉંચકી પોલીસ મથકે લઇ ગયા હતા. પોલીસ દ્વારા જે નિર્દોષ લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે જેમાં ખંડેરાવપુરા વિસ્તારમાં જ રહેતા બે સગા ભાઇઓ જે હાલમાં અભ્યાસ કરે છે તેઓને પણ પોલીસે ઘરમાં ઘુસી સુતેલી હાલતમાં પકડી પોલીસ મથકે લઇ ગયા હોવાનું તેમની માતાએ જણાવ્યું હતું.