(એજન્સી) નવી દિલ્હી,તા.૧૬
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સ્ટેટબેંકને ફટકાર લગાવતો ઓડિયો ક્લિપ જાહેર કરનાર સામે ફરિયાદ દાખલ કરવાની બેન્ક દ્વારા તૈયારી કરાઈ છે. ક્લિપ બહાર પાડનાર સામે પગલાં લેવાશે. નાણામંત્રી સીતારમણે ભારતીય સ્ટેટ બેન્કના ચેરમેન રજનીશકુમાર સહિત તમામ અધિકારીઓને ફટકાર લગાવી હતી. જેની ઓડિયો ક્લિપ લીક કરાઈ હતી. હવે બેન્ક ઓડિયો ક્લિપ લીક કરનાર સામે કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. બેન્કનું કહેવું છે કે તે વાતચીત રેકોર્ડ કરનાર અને સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર સામે કાર્યવાહી કરશે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયના અધિકારીઓએ નાણામંત્રીના ગુસ્સાને યોગ્ય ઠરાવ્યો. ગુવાહાટીમાં બેન્ક અધિકારીઓની બેઠકમાં બેન્કની અસંવેદનશીલતા સામે ગુસ્સો ઠાલવ્યો હતો. બેંકના કારણે ર.પ લાખ ચા-બગીચાના મજૂરો તેમના જનધન ખાતામાં નાણાંની લેવડ-દેવડ કરી શકતા નથી. કારણ કે ખાતા બંધ કરી દેવાયા છે. કર્મચારીઓ સબસિડીના પૈસા ઉપાડી શકતા નથી. ભૂલ વગર તેઓ ભોગ બની રહ્યા છે. રાજ્યના તંત્રની અપીલ છતાં બેન્ક દ્વારા આ સમસ્યા હલ કરાઈ નથી. આસામમાં ચા-બગીચાના ર.પ લાખ કર્મચારીઓના બેન્ક ખાતા નિષ્ક્રિય કરી દેવાયા છે. આસામમાં ૮ લાખ જનધન ખાતા ખોલાયા છે જેમાં પ હજાર જમા કરાવાયા હતા. આ ખાતા બંધ છે.