(એજન્સી) નવી દિલ્હી, તા.૫
કેન્દ્રમાં ફરી સત્તામાં આવેલી મોદી સરકારે શુક્રવારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં આશરે બે કલાક સુધી બજેટ ભાષણ આપ્યું પરંતુ સામાન્ય બજેટ સંસદમાં રજૂ થાય તે પહેલા જ ચર્ચામાં આવી ગયું. તેનું કારણ વર્ષોથી બધી સરકારોના નાણા પ્રધાન બજેટના દિવસે શૂટકેસ બતાવતા હતા પરંતુ આ વખતે કેન્દ્રીય નાણા પ્રધાન પાસે એ શૂટકેસ ન હતી અને તેના બદલે વહિખાતા જેવા દેખાતા બજેટ દસ્તાવેજ સાથે સંસદની બહાર નાણા પ્રધાન દેખાયા હતા. એ વહીખાતા પર કાળા જાડા દોરા જેવી રિબન બાંધેલી હતી અને રાષ્ટ્રીય પ્રતીક બનેલું હતું. એમ કરવાનું કારણ બતાવતા મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે આ ભારતીય પરંપરા છે અને આ પશ્ચિમી વિચારોની ગુલામીથી બહાર નીકળવાનું એક પ્રતીક છે. આ બજેટ નથી, વહિખાતું છે.