આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં NCRBના પૂર્વ મહાનિર્દેશક શફી આલમ CBIના પૂર્વ વિશેષ નિર્દેશક કે.સલીમ અલી, પૂર્વ પોલીસ મહાનિર્દેશક(જેલ) મોહિન્દરપાલ ઔલખ, વડાપ્રધાન કાર્યાલયના પૂર્વ ઓએસડી એ.એસ.દોલત, ઉત્તરાખંડના પૂર્વ મહાનિર્દેશક આલોક બી.પાલ, કેબિનેટના પૂર્વ વિશેષ સચિવ અમિતાભ માથુર, સિક્કિમના પૂર્વ પોલીસ મહાનિર્દેશક અવિનાશ મોહન, ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિર્દેશક પીજીજે નામ્પૂથિરિ અને પશ્ચિમ બંગાળના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) એ.કે.સામંતા સામેલ છે

(એજન્સી) તા.૧૬
દેશના નવ પૂર્વ આઈપીએસ અધિકારીઓએ દિલ્હી પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવને ખૂલ્લો પત્ર લખી ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોની તપાસ સામે સવાલો ઊભા કર્યા હતા અને તેમણે ફરીથી આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવાની માગ કરી હતી.
આ પત્રમાં પોલીસની એ પદ્ધતિઓ તરફ ધ્યાન ખેંચવા પ્રયાસ કરાયો હતો જેને લઇને અધિકારીઓને લાગે છે કે દિલ્હી રમખાણોની તપાસ ત્રુટિપૂર્ણ હતી. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં એનસીઆરબીના પૂર્વ મહાનિર્દેશક શફી આલમ, સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક કે.સલીમ અલી, પૂર્વ પોલીસ મહાનિર્દેશક(જેલ) મોહિન્દરપાલ ઔલખ, વડાપ્રધાન કાર્યાલયના પૂર્વ ઓએસડી એ.એસ.દોલત, ઉત્તરાખંડના પૂર્વ મહાનિર્દેશક આલોક બી.પાલ, કેબિનેટના પૂર્વ વિશેષ સચિવ અમિતાભ માથુર, સિક્કિમના પૂર્વ પોલીસ મહાનિર્દેશક અવિનાશ મોહન, ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિર્દેશક પીજીજે નામ્પૂથિરિ અને પશ્ચિમ બંગાળના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) એ.કે.સામંતા સામેલ છે. આ અધિકારીઓએ પત્રની શરૂઆતમાં લખ્યું હતું કે અમે બધા ભારતીય પોલીસદળના સેવાનિવૃત્ત અધિકારી છીએ અને સેવાનિવૃત્ત અધિકારીઓના એક મોટા સમૂહ કોન્ટીટ્યુશનલ કન્ડક્ટ ગ્રુપ(સીસીજી) સાથે સંકળાયેલા છીએ. જૂલિયો રિબેરો સીસીસીના લિવિંગ લેજન્ડ છે અને સીસીજીના મુખ્ય સભ્યોમાંથી એક છીએ. તેમણે દિલ્હી રમખાણોની તપાસમાં ગરબડને લઈને તમને જે પત્ર લખ્યો હતો. અમે બધા તેનું સમર્થન કરીએ છીએ.
આ પોલીસ અધિકારીઓએ દિલ્હી રમખાણોની તપાસને પક્ષપાતપૂર્ણ અને રાજકારણથી પ્રેરિત ગણાવી હતી. ખરેખર પૂર્વ આઈપીએસ અધિકારી જૂલિયો રિબેરોએ દિલ્હી રમખાણોની તપાસ પર ગંભીર સવાલો ઊભા કરતાં દિલ્હી પોલીસ કમિશનર શ્રીવાસ્તવને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે કૃપા કરી દિલ્હીમાં તમારી કમાનના પોલીસ કર્મીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી એ નક્કી કરો કે તે સેવામાં પોતાના ભરતીના સમયે લીધેલા શપથનું પાલન કરી રહ્યાં છે કે નહીં?