અમદાવાદ, તા.૩
ગુજરાતના માથેથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહેલું નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઈ ગયું છે જે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું છે. આ વાવાઝોડાની અસર વલસાડ, નવસારી અને સુરત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને સુરત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે જેને કારણે લોકોએ રાહત અનુભવી હતી. આ હળવા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાવાઝોડાની અસર માત્ર દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અનેક સ્થળે દરિયામાં ઉંચા મોજા પણ ઉછળ્યા હતા. જેને પગલે પ્રભાવિત વિસ્તારોમાંથી પ૦ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વળી આ સમયે કોરોના મામલે જાહેર કરાયેલ ગાઈડલાઈનનું પણ પાલન કરાયું છે. રાજ્યના ચાર બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઘોઘા, જાફરાબાદ, પોરબંદર અને ઓખા બંદર પર ભારે પવન સાથે વરસાદની શક્યતાને જોતાં બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની અસરને પગલે આવતીકાલે ૪ જૂને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને દમણ, દાદરાનગર હવેલી, દીવ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના ૬૩,૭૯૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. જેમાં સુરતના ૮૭ર૭, નવસારીના ૧૪૦૪૦, ભરૂચના ૧ર૦ર, ભાવનગરના ૩૦૬૬, આણંદના ૭૬૯, અમરેલીના ર૦૮૬, ગીર-સોમનાથના રર૮ અને વલસાડના સૌથી વધુ ૩૩૬૮૦ વ્યક્તિઓને સલામત આશ્રય સ્થાનો પર ખસેડી દેવાયા હતા અને તંત્રને સાબદુ કરાયું છે. જો કે, વાવાઝોડાની અસરને પગલે અનેક સ્થળોએ હળવો વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડારૂપી ઘાત ટળતાં લોકોને રાહત થઈ હતી ત્યારે આગામી બે દિવસ વરસાદ થવાની શક્યતા છે. જો કે, હિટવેવ વચ્ચે વાવાઝોડાની આગાહી બાદ વાતાવરણમાં સતત પલટો જોવા મળ્યો હતો અને વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.