(એજન્સી) મુંબઇ, તા. ૨
છેલ્લા ૧૦૦ વર્ષ કરતા વધુ સમયમાં પ્રથમવાર ચક્રવાત નિસર્ગ બુધવારે બપોરે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાના સંકેત મળ્યા છે ત્યારે આર્થિક રાજધાની મુંબઇ તથા ગુજરાતના કેટલાક દરિયાકાંઠા પર એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, નિસર્ગ ચક્રવાત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે જ્યારે આગામી ૧૨ કલાકમાં ભારે વરસાદ પડશે તથા ૧૦૦ કિલોમીટર કરતા પણ વધુ ઝડપથી પવનો ફૂંકાશે. અત્યારસુધી કોરોના વાયરસના ૪૧,૦૦૦થી પણ વધુ કેસોનો સામનો કરી રહેલા આર્થિક પાટનગર મુંબઇ અને તેની આસપાસના વિસ્તારો થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં એલર્ટ જારી કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર તથા ગુજરાતના મુખ્યમંત્રીઓ અને દમણ દીવ, દાદરા નગર હવેલી વહીવટીતંત્ર સાથે વાત કરી છે તથા કેન્દ્ર તરફથી તમામ શક્ય તેટલી સહાયની ખાતરી આપી છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, ભારતના પશ્ચિમ કિનારાના ભાગોમાં વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવ્યો છે. તમામ માટે પ્રાર્થના કરૂં છું. લોકોને મારી અપીલ છે કે, તેઓ તમામ સાવચેતી અને સુરક્ષાના પગલાં અપનાવે. પીએમ કચેરીએ ટિ્‌વટ કર્યું હતું કે, વડાપ્રધાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા દમણ દીવ, દાદરા નગર હવેલીના વહીવટીતંત્ર સાથે વાત કરી છે. તેમણે કેન્દ્ર તરફથી તમામ સમર્થન અને સહાયની ખાતરી આપી છે. સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મહારાષ્ટ્ર તથા ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી.
૨. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નિસર્ગ ૧૦૦ કિલોમીટરથી વધુની ઝડપ સાથે દરિયાકાંઠે ટકરાઇ શકે છે અને તેની ઝડપ વધીને ૧૨૦ કિલોમીટર સુધી જઇ શકે છે. આગામી કેટલાક કલાકોમાં તે ઉત્તર તરફ વળે તેવી શક્યતા પણ રહેલી છે, બાદમાં તે ત્રીજી જુને બપોરે ઉત્તર મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્ય ગુજરાતના હરિહરેશ્વર અને મહારાષ્ટ્રના રાયગઢ નજીક આવેલા દમણ તરફ વળી શકે છે.
૩. મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કાંઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૦થી વધુ એનડીઆરએફની ટીમો તહેનાત કરાઇ છે. એક એનડીઆરએફની ટીમમાં ૪૫ સભ્યો હોય છે. ગુજરાતને વધારાની ટીમો સાથે તૈયાર રહેવા જણાવ્યું છે. રાજ્ય દ્વારા મંગળવારે સાંજે ૧૫ ટીમો તહેનાત કરાઇ હતી જ્યારે બે વધુ ટીમોને સ્ટેન્ડબાય રહેવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં ૧૦ ટીમો મોકલાઇ છે જ્યારે છ ટીમોને સ્ટેન્ડબાય રહેવા કહેવાયું છે.
૪. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઓફિસે કેટલાક વિસ્તારોની યાદી તૈયાર કરી છે. આ વિસ્તારોમાં ઝૂંપડામાં રહેતા લોકોને હટાવવાના સ્થળોનો પણ સમાવેશ કરાયો છે. મુંબઇમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઝૂંપડાવાસીઓને ખસેડવા જણાવાયું છે. કોવિડ જાહેર ના કરી હોય તેવી હોસ્પિટલોને કોઇપણ ઇમરજન્સી સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવાયું છે. રાજ્યના કોઇપણ વિજળીની સમસ્યા સામે તૈયાર રહેવા કહેવાયું છે. ઉપરાંત પાલઘરમાં આવેલા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટની સુરક્ષા કરવાનું કહેવાયું છે.
૫. વૃક્ષો પડવા, ભેખડો ધસવા અને ભારે વરસાદને કારણે થનારા નુકસાન માટે તૈયાર રહેવા જણાવાયું છે. મહારાષ્ટ્રના સચિવાલયમાં એક કંટ્રોલરૂમ ઊભું કરાયું છે અને તેના પર સતત નજર રખાશે. સેના, એરફોર્સ, નેવી અને હવામાન વિભાગને સંકલનની ખાતરી કરવાના નિર્દેશો અપાયા છે. મુંબઇમાં એનડીઆરએફની ત્રણ ટીમો તહેનાત છે જ્યારે પાલઘરમાં બે તથા રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં એક-એક ટીમ તહેનાત છે.
૬. ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના ૪૭ કાંઠાળા ગામોમાંથી આશરે ૨,૦૦,૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. અહેવાલો અનુસાર વલસાડના જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે, અમે પહેલા જ આશ્રયસ્થાનો શોધી કાઢ્યા છે અને ૩૫ ગામોના એક લાખ લોકોને ખસેડી લીધા છે. બાજુના નવસારી જિલ્લામાંથી વહીવટીતંત્રે ૧૨ ગમોના ૧૦,૨૦૦ લોકોને ખસેડ્યા છે.
૭. ભારતીય કોસ્ટગાર્ડના જહાજો અને વિમાનોને માછીમારો તથા નાના જહાજોને કાંઠા પર પરત ફરવાની ચેતવણી આપવા તહેનાત કરાયા છે. વાયરલ થયેલા બે વીડિયોમાં કોસ્ટગાર્ડ માછીમારોને કાંઠા પર પરત ફરવાના આદેશ આપી રહ્યા છે.
૮. મહારાષ્ટ્ર પહેલા જ કોરોના વાયરસના દેશમાં સૌથી વધુ સંક્રમિત દર્દીઓ સાથે ઝઝૂમી રહ્યું છે ત્યારે અહીં અત્યારસુધી ૭૦,૦૦૦થી વધુ કેસો છે અને ૨૩૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે. ખાસ કરીને મુંબઇમાં હોસ્પિટલો અને કાયદો વ્યવસ્થાની ટીમો સંઘર્ષ કરી રહી છે.
૯. છેલ્લા બે અઠવાડિયામાં ભારત પર બીજીવાર ચક્રવાતનો ખતરો મંડાયો છે. ચક્રવાત અમ્ફાનને કારણે ૨૦મી મેએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં કોહરામ મચાવ્યો છે જેમાં ૧૦૦ જેટલા લોકોનાં મોત થયા હતા.
૧૦. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ તથા ઓડિશાના અસરગ્રસ્ત વિસ્તારોની હવાઇ મુલાકાત લીધી હતી અને પશ્ચિમ બંગાળને ૧૦૦૦ કરોડ રૂપિયા જ્યારે ઓડિશાને ૫૦૦ કરોડ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી. તેમણે પછી મન કી બાતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.