ગાંધીનગર, તા.૧૧
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે કોંગી નેતાઓ દ્વારા જાહેરમાં ઓફર કરાઈ રહી છે ત્યારે બુધવારે નીતિન પટેલ બરાબરના અકળાયા હતા ત્યારે તેમણે મીડિયાના માધ્યમથી કોંગી નેતાઓને ચેતવણી આપી હતી કે તેઓ ભાજપમાં છે અને રહેશે. એટલે કોંગ્રેસના નેતાઓએ ક્યાંય પણ તેમનું નામ લેવું નહીં. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાયું છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ના રાજીનામા બાદ સરકાર પર સંકટ ઉભું થયું છે. મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતમાં કૉંગ્રેસ ની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નિવેદન બાદ ગુજરાતમાં બીજેપી-કૉંગ્રેસ ના નેતાઓ સામસામે આવી ગયા છે. ગુજરાતમાં કૉંગ્રેસમાં બધુ બરાબર ન હોવાના વિજય રૂપાણીના નિવેદનનો જવાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યો હતો, જેમાં અમિત ચાવડાએ સીએમ રૂપાણીની ખુરશી પર જોખમ હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં બીજેપીની હાલત વિશે વાત કરતા ચાવડાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના ભાજપમાં હાલ ખરાબ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કૉંગ્રેસના નેતા ભરતજી ઠાકોરે નીતિન પટેલે કૉંગ્રેસમાં જોડાવાની ઑફર કરી હતી. આ મામલે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તડાફડી બોલાવી હતી અને કહ્યું હતું કે તેઓ ભાજપમાં જ છે અને રહેશે. સાથે જ તેમણે કૉંગ્રેસને નેતાઓને તેમનું નામ નહીં લેવાની ચેતવણી પણ આપી હતી. ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં નીતિન પટેલે જણાવ્યું કે, હું ભરતસિંહ, અમિત ચાવડા તેમજ કૉંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોને કહેવા માંગું છું હું જનસંઘના સમયથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. નગરપાલિકાના સભ્યથી લઈને નાયબ મુખ્યમંત્રી પદ સુધી ભારતીય જનતા પાર્ટીએ મને કામ કરવાની તક આપી છે. ટૂંકી દ્રષ્ટિના ઘણા લોકો ઘણા સમયથી સત્તા માટે તલપાપડ બન્યા છે. કૉંગ્રેસ પક્ષ વેરણછેરણ થઈ ગયો છે. કૉંગ્રેસના નેતાઓને ખબર નથી કે નીતિન પટેલ કેવો નીડર અને સિદ્ધાંતવાદી છે. આ લોકો ટીવીમાં ધ્યાન ખેંચવા માટે આવા નિવેદનો કરે છે. મારા નામનો ઉલ્લેખ કરે તે યોગ્ય નથી. હું એમના જેવો સત્તા લાલચુ નથી કે સત્તા માટે ગમે તે પક્ષમાં જતો રહું. હું ભાજપની વિચારસરણીને વરેલો છું. હું તેમને ચેતવણી આપું છું કે, તમારું જે થવાનું હોય તે થાય, પ્રજામાં ભ્રમ ફેલાવવા માટે કોઈ કૉંગ્રેસી મારા નામનો ઉલ્લેખ ન કરે. તમે બધાને મળ્યાં હશો, નીતિન પટેલને નહીં મળ્યા હોવ. હું ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ આપું છું કે ભાજપ જ મારું જીવન છે.

નીતિન પટેલે ભરતજીના બદલે ભરતસિંહને સુણાવી દીધું

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભાજપમાં જોડાવાની ઓફર કરતા કોંગ્રેસના બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, નીતિનભાઈ ૧પ ધારાસભ્યો સાથે અમારી સાથે આવે તો મુખ્યમંત્રી બની જશે, ભાજપમાં વિખવાદ છે અમારામાં વિખવાદ નથી. ભરતજી ઠાકોરના મીડિયાના નિવેદનની વાત ભાજપના મોટા નેતાઓ સુધી પહોંચી ગઈ હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તાબડતોડ મીડિયા સમક્ષ પહોંચી ગયા હતા અને પોતે ભાજપમાં છે અને રહેશે તેવી વાત કરી હતી. પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે, કયા નેતાએ તેમને ઓફર કરી છે. ત્યારે ભરતજી ઠાકોરના બદલે નીતિન પટેલે કોંગ્રેસના પૂૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પર આક્ષેપો કર્યા હતા. આમ ભરતજી ઠાકોરના બદલે ભરતસિંહ સોલંકીને નીતિન પટેલે સુણાવી દીધું હતું.