(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨
તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં તેમને એકલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેવું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે, ત્યારે આજે વિધાનસભામાં કોંગી ધારાસભ્યએ નીતિન પટેલને ખુલ્લી ઓફર કરી હતી કે, ૧પ ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાઈને મુખ્યમંત્રી બની જાવ. તેને પગલે વિધાનસભામાં આ મામલે ચર્ચા તેજ બની હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર કટાક્ષ કર્યો છે. આરોગ્ય વિભાગની પૂરક માંગણી પરની ચર્ચા દરમિયાન વિરજી ઠુમ્મરે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને અમારો એમને ટેકો છે, એ ૧૫ ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે. તમારા પક્ષના લોકો તમને સમજી શકતા નથી. જો કે, વિરજી ઠુમ્મરની ટિપ્પણી પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતા ટકોર કરી વિરજીભાઈ ગત વખતે તમારા ૧૨ ધારાસભ્યો જતા રહ્યા હતાં. અમારી ચિંતા કર્યા વગર તમારું ઘર સંભાળો. આ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પ્રદિપસિંહ સપોર્ટમાં આવ્યા હતા અને કોંગ્રેસના સભ્યોને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે નીતિનભાઈ સાથે આખું મંત્રી મંડળ અને આખું ભાજપ છે, અલગ સંદર્ભમાં વાત જોડવી યોગ્ય નથી. ત્યારે વળતો પ્રહાર કરતા વીરજી ઠુમ્મરે કહ્યું હતું કે, તમે કેતન ઈનામદારને કેવી રીતે મનાવ્યા એ મને ખબર છે. પૂરૂં મંત્રી મંડળ તેમને મનાવવામાં લાગી ગયું હતું. અત્રે નોંધનીય છે કે, આ પહેલા ૨૯ ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ દ્વારા બનાવવામાં આવી રહેલા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જ્યાં પહોંચ્યો છું ત્યાં એમને એમ અહીં નથી પહોંચાતું તમે ટીવીમાં જોતા જ હશો, છાપામાં જોતા જ હશો પૂછો અમારા ધારાસભ્યોને એક બાજુ બધા ને એકબાજુ હું એકલો, એ ઉમિયા માતાના આશીર્વાદ છે. આ લોહી બોલે છે, તમારા બધાના સહયોગથી બોલું છું. પક્ષના કાર્યકર તરીકે બોલું છું.