અરૂણાચલ પ્રદેશમાં જેડીયુના છ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા બાદથી બંને પાર્ટીઓ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રાજદના નેતા અને પૂર્વ સ્પીકર ઉદય નારાયણ ચૌધરીએ રજૂ કરેલો પ્રસ્તાવ
જેડીયુ અને નીતિશકુમારે ભાજપ સામે નિવેદનબાજી કરી પણ તેનો પનો ટૂંકો પડતો હોય તેમ કેસરિયા પાર્ટી
સામે નક્કર રીતે કંઈ જ ઉકાળી શક્યા નહીં : રાજદના નેતાનું ધ્યાનાકર્ષક નિવેદન

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને રાષ્ટ્રીય જનતા દળે ખુલ્લી ઓફર આપતાં જણાવ્યુું હતું કે, જો તમે તેજસ્વી યાદવને રાજ્યના મુખ્યમંત્રી બનાવશો તો અમે તમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરીશું. ભાજપ અને જેડીયુના સંબંધોમાં ઓટ આવતાં લાલુ પ્રસાદની પાર્ટી રાજદના નેતા અને બિહાર વિધાનસભાના પૂર્વ સ્પીકર ઉદય નારાયણ ચૌધરીએ સોમવારે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જો નીતિશ એનડીએ સાથે છેડો ફાડે છે અને તેજસ્વી યાદવને બિહારના મુખ્યમંત્રી બનાવે છે તો વિપક્ષ તેમને વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરશે. હાલ ભાજપ અને નીતિશની પાર્ટી વચ્ચે ચાલી રહેલી તંગદિલી પર રાજદની નજર છે. રાજદના નેતાઓએ જણાવ્યું હતું કે, ભાજપ ગઠબંધન છતાં નીતિશકુમાર પર દબાણ બનાવેે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અરૂણાચલ પ્રદેશમાં ભાજપે જેડીયુના છ ધારાસભ્યોને કેસરિયા પાર્ટીમાં સામેલ કરતાં બંને સાથી પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ ઘટનાક્રમ બાદ બંને પાર્ટીઓ વચ્ચે કંઈ જ સારૂં નથી. જેડીયુ ભાજપ પર ગઠબંધન ધર્મનું પાલન ન કરવાનો આરોપ પણ લગાવી ચૂકી છે. જેડીયુએ લવ-જેહાદના મુદ્દાને પણ નકારી કાઢયો હતો. બીજી તરફ મામલાની ગંભીરતાને જોતા ભાજપ ડેમેજ કન્ટ્રોલ મોડ પર છે. રાજ્યસભાના સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ જણાવ્યું હતું કે, એનડીએ ગઠબંધન તૂટે નહીં તેવું છે. તેમણે જણાવ્યું હતું કે, નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદ માટે એનડીએના સ્વાભાવિક વિકલ્પ હતા. ભલે તેઓ પોતે મુખ્યમંત્રી બનવા ન હતા ઈચ્છતાં. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, નીતિશકુમારે મુખ્યમંત્રી પદ પર રહેવા અંગે અનિચ્છા વ્યક્ત કરી હતી, પણ તેઓ ત્યારે સંમત થયા હતા જ્યારે તેમને સમજાવવામાં આવ્યા હતા કે, એનડીએએ તેમના નામ પર મત માંગ્યા હતા.
સમગ્ર મામલે જેડીયુના એક વરિષ્ઠ નેતાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, જો તમે જેડીયુમાં કોઈની પણ સાથે વાત કરશો તો એવું જ લાગશે કે, બિહારની ચૂંટણીમાં લોજપાના ચિરાગ પાસવાન ભાજપના જ ઉમેદવાર હતા. તેઓ ઘણી બેઠકો પર જેડીયુને પરાજિત કરવામાં સફળ રહ્યા હતા. હવે અરૂણાચલ પ્રદેશના ઘટનાક્રમથી અમારો વિશ્વાસ ડગી ગયો છે. સરકાર સામે કોઈ જોખમ નથી પણ બધું બરાબર પણ ચાલી રહ્યું નથી. રાજદના અન્ય એક નેતાએ જણાવ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે, ભાજપ અને જેડીયુ પાણીની ઉંડાઈ માપી રહ્યાં છે. પણ સંકટ સ્પષ્ટપણે દેખાય છે. અરૂણાચલ પ્રદેશમાં જેડીયુના છ ધારાસભ્યોને ભાજપ સામેલ કરવાનો કોઈ અર્થ જણાતો નથી. જેડીયુએ આ અંગે પ્રતિક્રિયા આપી પણ તે કંઈ જ ન કરી શકી. જોઈએ હવે આગળ શું થાય છે.