(એજન્સી) પટણા, તા.ર૬
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ વચ્ચે મંગળવારે બંધબારણે ર૦ મિનિટની મુલાકાત થઈ હતી. આ મુલાકાતે બિહારની રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો હતો. મંગળવારે બિહાર વિધાનસભામાં એનઆરસી અને એનપીઆરના વિરોધમાં પ્રસ્તાવ પસાર કરાયો જેને જદયુ અને રાજદ બન્નેએ સમર્થન કર્યું. પ્રસ્તાવ પાસ થવા પાછળ ર૦ મિનિટની મુલાકાત જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અહેવાલો મુજબ વિધાનસભા ભવનમાં મંગળવારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને અબ્દુલ બારી સિદ્દીકી મુખ્યમંત્રીને મળવા ગયા હતા. બેઠકમાં કોંગ્રેસ નેતા અવધેશસિંહ પણ હાજર હતા. ર૦ મિનિટ ચર્ચા બાદ સ્પીકર વિજયકુમાર ચૌધરીએ ગૃહમાં એનપીઆર-એનઆરસી પ્રસ્તાવ પાસ થવાની જાહેરાત કરી હતી. પ્રસ્તાવમાં કહેવાયું છે કે, બિહારમાં એનઆરસીની જરૂર નથી. તેમજ એનપીઆર ર૦૧૦ના સ્વરૂપે લાગુ કરવાનું સૂચન કેન્દ્રને મોકલાયું હતું. બીજી તરફ આ સમીકરણોથી ભાજપ હેરાન થયો હતો. એનપીઆર અંગે ગૃહમાં મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે લોકોને ર૦ર૦ના એનપીઆર સાથે વિરોધ છે. જેથી ર૦૧૦ના એનપીઆરને આધાર બનાવાય. તે અંગે ૧પ ફેબ્રુઆરીએ પત્ર લખી કેન્દ્રને સૂચિત કરાયું હતું.

નીતિશકુમાર પુનઃ મહાગઠબંધનમાં સામેલ થશે ! જીતનરામ
માંઝીએ કહ્યું, સીએમ માટે નીતિશથી મોટો ચહેરો કોઈ નથી

(એજન્સી) પટણા, તા.ર૬
દિલ્હીમાં સીએએ-એનઆરસી મુદ્દે હિંસા બાદ બિહારની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. મંગળવારે એનઆરસી-એનપીઆરને રાજ્યમાં નવા સ્વરૂપે લાગુ નહીં કરવાનો વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરાયો હતો. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ નીતિશકુમારને મહાગઠબંધનમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. જીતનરામ માંઝીએ કહ્યું કે, પ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે નીતિશકુમારથી કોઈ મોટો ચહેરો નથી. હવે નિર્ણય નીતિશકુમારે કરવાનો છે. કોંગ્રેસના નેતા અવધેશસિંહે કહ્યું કે, નીતિશકુમાર બિનસાંપ્રદાયિક નેતા છે. તેમની સામે મુલાકાત થઈ. ત્યારબાદ એનઆરસી-એનપીઆર અંગે પ્રસ્તાવ પસાર કરાયો. ત્રણ વર્ષ બાદ તેજસ્વી અને નીતિશ મળ્યા હતા. તેજસ્વી યાદવે કરેલી એનઆરસી-એનપીઆર વિરૂદ્ધ પ્રસ્તાવની માગણીને નીતિશકુમારે સ્વીકારી હતી. ત્યારબાદ સદનમાં પ્રસ્તાવ પસાર થયો હતો. નીતિશ-તેજસ્વીની મુલાકાત બાદ બિહારની રાજનીતિમાં અટકળોએ વેગ પકડયો હતો. સીએએ કાનૂન બાદ નીતિશકુમાર મુસ્લિમોમાં અપ્રિય રહ્યા હતા તેથી નીતિશકુમાર છબિ સુધારવા પ્રયાસ કરશે તેથી નીતિશકુમારે એનઆરસી-એનપીઆર વિરૂદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો.