(એજન્સી) તા.ર
ગુજરાતના હીરા વ્યાપારીઓએ પી.એન.બી. કૌભાંડ આચરનારા નીરવ મોદી અને મેહુલ ચોકસી સાથે વ્યાપારી સંબંધોનો બહુ પહેલાં જ સંત લાવી દીધો હતો. આનું કારણ હતું કે તેઓ પેમેન્ટ આપવામાં ઘણી વાર લગાવતા હતા. ગુજરાતના સુરત શહેરમાં જૈન અને પટેલ સમુદાયના લોકોનું હીરા વ્યાપારમાં વર્ચસ્વ છે. અહીંના વ્યાપારીઓએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે વ્યાપારના નિયમો ન માનવાને લીધે બંનેે જ્વેલર્સની છબિ સારી ન હતી.
વીનસ જ્વેલર્સના ચેરમેન સેવંતીલાલ શાહ ઘણા વર્ષો પહેલાં જ નીરવ મોદી અને મેહુલ ચોકસી સાથે વ્યાપાર બંધ કરી ચૂક્યા હતા. એમણે કહ્યું કે નીરવ મોદી અને ગીતાંજલિનું બિઝનેશ મોડલ વિશ્વસનીય ન હતું. જો તેઓ માલ લીધા પછી પેમેન્ટ આપવામાં એક મહિનાની વાર લગાડતા તો એ બરાબર હતું. પરંતુ આવું વારંવાર થઈ રહ્યું હતું, જે બરાબર ન હતું. એમની સાથે આ જ સમસ્યા હતી.
છેલ્લા પ૦ વર્ષથી સુરતમાં વ્યાપાર કરી રહેલા એક ડાયમંડ એક્સપોર્ટરે જણાવ્યું હતું કે મેહુલ ચોક્સી ભરોસાની અગત્યતા સમજતો ન હતો. તેમણે કહ્યું હતું કે અમે એક વખત તેને પોલિશ્ડ ડાયમંડ વેચ્યા હતા અને પેમેન્ટ માટે અમારે છ મહિના સુધી હેરાન થવું પડ્યું હતું. દર વખતે તે કશું બહાનું બનાવી દેતો હતો. આ પછી અમે એની સાથે વ્યાપાર ન કરવાનો નિર્ણય લીધો હતો.
સુરતના લગભગ આઠ હીરા વ્યાપારીઓએ નીરવ મોદી અને મેહુલ ચોક્સી માટે આ પ્રકારની ફરિયાદ કરી હતી. સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ નવાદિયાએ જણાવ્યું હતું કે આ બધા કારણોને લીધે મોટાભાગના વ્યાપારીઓ તે બંને સાથે વ્યાપાર બંધ કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકમાં ૧.૭૭ બિલિયન ડોલરના કૌભાંડથી ફાયનાન્સ સેક્ટરને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ કૌભાંડનો આંક ર બિલિયન ડોલર સુધી પહોંચી ચૂક્યો છે. નીરવ મોદી ન્યુયોર્કથી હોંગકોંગ સુધી જ્વેલરી સ્ટોર ધરાવે છે અને ચોક્સી ગીતાંજલિ નામથી ડાયમંડ બ્રાન્ડ ચલાવે છે. બંને આરોપીઓ ગુજરાતના જૈન સમુદાય સાથે સંબંધ ધરાવે છે.