(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
પંજાબ નેશનલ બેંકના રૂા.૧૧,૪૦૦ કરોડના કૌભાંડ બદલ શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો હતો. પાર્ટીના મુખપત્ર સામનાના અગ્રલેખમાં જણાવવામાં આવ્યું હતું કે આ કૌભાંડના કેન્દ્રમાં રહેલ નીરવ મોદી ભાજપનો ભાગીદાર છે અને તેણે ભાજપને ચૂંટણી ફંડ મેળવવામાં મદદ કરી હતી.
શિવસેનાએ જણાવ્યું હતું કે આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર ખત્મ કરવાનું મોદીનું વચન માત્ર કાગળ પર અને વાતોમાં જ છે. આ વચન પર હવે પડદો પડી ગયો છે. અગ્રલેખમાં જણાવવામાં આવ્યું હતું કે નીરવે જાન્યુઆરીમાં દેશ છોડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બીજી તરફ તાજેતરમાં દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઈકોનોમિક ફોર્મ દરમિયાન નીરવ મોદી અને નરેન્દ્ર મોદી એક જ મંચ પર હતા. નીરવ મોદી ભાજપના જ મળતિયા છે અને તેમની માટે ચૂંટણી ભંડોળ એકઠું કરવાનું કામ કરે છે. ખાતો નથી અને ખાવા દેતો નથી. મોદીનું આ સૂત્ર હવે પોકળ પુરવાર થયું છે.
અગ્રલેખમાં જણાવવામાં આવ્યું હતું કે નીરવ મોદી ફરાર થયો તે અગાઉ તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી પછી તેને સલામત રીતે દેશ છોડી જવાનો રસ્તો કોણે કરી આપ્યો ? વિજય માલ્યા અને નીરવ મોદીનું ફરાર થવું વિચાર માંગી લે તેવું છે.