(એજન્સી) તા.૧પ
ગુજરાતનો ચર્ચાસ્પદ સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસ પર ફરી એકવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ વખતે પ્રશ્ન ઉઠાવનાર છે એક પૂર્વ જસ્ટિસ અભય થિપ્સે જે બોમ્બે હાઈકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. બોમ્બે હાઈકોર્ટમાં તેમના કાર્યકાળમાં આ કેસના ચાર આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરનાર અભય થિપ્સેનું કહેવું છે કે આ કેસમાં ન્યાય પ્રણાલી નિષ્ફળ જતી દેખાય છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સમાચારપત્ર સાથે થયેલી વાતચીત દરમિયાન થિપ્સેએ કહ્યું હતું કે આ કેસમાં કેટલાક પ્રકારની ગેરરીતિઓ છે. જેથી લાગે છે કે આ કેસના સાક્ષીઓ દબાણ હેઠળ છે. બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ અભય એમ થિપ્સેએ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસથી જોડાયેલા હાઈપ્રોફાઈલ આરોપીઓનો છૂટકારો, જજોની બદલી અને ગેરરીતિઓ પર કેટલાક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. થિપ્સેએ પણ આ કેસથી જોડાયેલી ચાર જામીન અરજીઓ પર સુનાવણી કરી હતી.
થિપ્સે કે જે બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે ગયા વર્ષે માર્ચમાં નિવૃત થયા હતા. એમણે ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે હાઈકોર્ટે આ કેસમાં આત્મજ્ઞાન લઈને આ કેસની ફરીથી સુનાવણી કરવી જોઈએ. જસ્ટિસ થિપ્સેએ કહ્યું હતું કે, તમે આ માનો છો કે સોહરાબુદ્દીનનું અપહરણ થયું હતું. તમે આ પણ માનો છો કે આ એન્કાઉન્ટર નકલી હતો. તમને આ વાત પર પણ વિશ્વાસ છે કે સોહરાબુદ્દીનને ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ પર રાખવામાં આવ્યો હતો. પરંતુ તમે આ નથી માનતા કે આમાં વણઝારા (તત્કાલીન ડી.આઈ.જી. ગુજરાત), દિનેશ એમ.એન. (તત્કાલીન એસ.પી. રાજસ્થાન) અને રાજકુમાર પાંડિયન (તત્કાલીન એસ.પી. ગુજરાત) સામેલ હતા. કોઈ કોન્સ્ટેબલ સાથે કોઈ સંપર્ક કઈ રીતે હોઈ શકે ? તમે કહેવા માંગો છો કે એક સબ-ઈન્સ્પેક્ટર સોહરાબુદ્દીનને હૈદરાબાદથી ઉઠાવી બીજા રાજ્યમાં લઈ આવ્યો ? અને આ જ આધાર પર બંને એસ.પી. (પાંડિયન, દિનેશ) વિરુદ્ધ કોઈ કેસ નથી બનતો તો શંકા આ વાતની જાય છે કે ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ પ્રકારનું વલણ રાખવામાં આવ્યું છે.
ઈન્ડિયન એક્સપ્રેસમાં આ સમાચાર પ્રકાશિત થયા બાદ ઘણી ન્યુઝ ચેનલોના પત્રકારો બુધવારે જસ્ટિસ થિપ્સેનું ઈન્ટરવ્યુ લેવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. જાણકારી પ્રમાણે થિપ્સેએ એબીપી ન્યુઝ, સીએનએન ન્યુઝ ૧૮ અને એનડીટીવીના સંવાદદાતાઓને ઈન્ટરવ્યુ આપ્યો હતો. પરંતુ આમાંથી સી.એન.એન. ન્યુઝ ૧૮નો પત્રકાર ત્યારે ઉદાસ થઈ ગયો જ્યારે નોઈડા સ્થિત તેમના હેડ ઓફિસે જસ્ટિસ થિપ્સેના ઈન્ટરવ્યુનો પ્રસારણ કરવાની મનાઈ કરી દીધી. જ્યારે એબીપી ન્યુઝ તેમજ એનડીટીવી બંનેએ જસ્ટિસ થિપ્સેનો સંપૂર્ણ ઈન્ટરવ્યુ પ્રસારિત કર્યો હતો.
એક સૂત્ર પાસેથી ‘જનતા કા રિપોર્ટર’ નામની ન્યુઝ એજન્સીને જાણકારી મળી કે રિપોર્ટર દ્વારા જસ્ટિસ થિપ્સેનો ઈન્ટરવ્યુ હેડ ઓફિસ મોકલવામાં આવ્યું પરંતુ ચેનલના એસાઈન્મેન્ટ ડેસ્ક દ્વારા આ ઈન્ટરવ્યુને આમ કહીને નકારવામાં આવ્યો કે આની કોઈ જરૂરત નથી. એસાઈન્મેન્ટ ડેસ્કના સૂત્રએ જણાવ્યું કે, આ એક લાંબો ઈન્ટરવ્યુ હતો અને અમારા કેમેરા સમક્ષ જજે એક સનસનીખેજ ખુલાસો કર્યો હતો પરંતુ રિપોર્ટરને આ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે, આ ઈન્ટરવ્યુ કોઈ કારણથી પ્રસારિત કરવામાં આવશે નહીં.
પરંતુ સી.એન.એન. ન્યુઝ ૧૮ના વરિષ્ઠ સંપાદક ભૂપેન્દ્ર ચૌબેએ ‘જનતા કા રિપોર્ટર’ સાથેની વાતચીતમાં આ અહેવાલને નકારતા કહ્યું કે આ અહેવાલમાં કોઈ તથ્ય નથી કેમ કે ચેનલે જસ્ટિસ થિપ્સે જોડે વાત કરવા માટે કોઈ રિપોર્ટરને મોકલ્યો જ નથી અને કોઈ રિપોર્ટર તેની જાતે પણ ગયો નથી. ચૌબેનું જવાબ સાંભળ્યા પછી ફરી એકવાર એસાઈન્મેન્ટ ડેસ્કના સૂત્રનું સંપર્ક કરવામાં આવતા સૂત્રોએ જણાવ્યું કે, ચૌબેના દાવાઓમાં કોઈ સચ્ચાઈ નથી. કેમ કે નેટવર્ક ૧૮ ગ્રુપ દ્વારા બે સંવાદદાતાઓને જસ્ટિસ થિપ્સે પાસે મોકલવામાં આવ્યા હતા. આમાં એક હિન્દી અને એક અંગ્રેજી આમ બે સંવાદદાતાઓ સામેલ હતા.
(સૌ.ઃ જનતાકા રિપોર્ટ)