રાજ્યમાં કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણનો સર્વે ૫૭ ટકા શિક્ષકોના મતે ઓનલાઈન શિક્ષણ પડકારજનક •ઓનલાઈન શિક્ષણની અંગત જીવન પર અસર

અમદાવાદ, તા.૮
રાજ્યમાં કોરોના મહામારીના સંક્રમણ વચ્ચે લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જો કે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઓનલાઈન શિક્ષણથી અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ સહમત ન હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે. ત્યારે ઓનલાઈન શિક્ષણની અનેક બાબતો જાણવા માટે એક ખાનગી કંપનીએ કરેલા શિક્ષકોના સર્વેમાં અનેક સારી નરસી બાબતો સામે આવી છે. સર્વે અનુસાર ૫૬ ટકા શિક્ષકોએ કહ્યું કે નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટી છે. નેટ સરખું ચાલતું નથી તેવામાં આ શિક્ષકો વિદ્યાર્થીઓને શું ભણાવશે અથવા તો વિદ્યાર્થીઓ શું ભણશે ? જ્યારે ૪૪ ટકા શિક્ષકોના મતે વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન ન આપી ઓનલાઈન શિક્ષણમાં માત્ર ટાઈમપાસ કરે છે.
આ અંગે ૨૨થી ૨૫ વર્ષની ઉંમરના શિક્ષકોને પશ્નો પૂછી તેમના પ્રતિભાવ લેવામાં આવ્યા છે. આ અંગે ૨૨૦૦ જેટલા શિક્ષકોનો મત જાણવામાં આવ્યો છે.
નબળી ઈન્ટરનેટ કનેકિટવિટી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક બીજા સાથે સંવાદ સાધવામાં સૌથી મોટી સમસ્યા ઉભી કરી રહી છે એમ પ૬ ટકા શિક્ષકોએ જણાવ્યું હતું. ટેકનિકલ સમસ્યાને લીધે અનેક વખત શિક્ષકોએ કલાસ કેન્સલ કરવા પડે છે. વિદ્યાર્થીઓ પણ ઘણીવાર કલાસ ચૂકી જાય છે અથવા ચાલુ કલાસે કનેકિટવિટીની સમસ્યાના લીધે હેરાન થાય છે. ૪૪ ટકા શિક્ષકોએ એવો મત વ્યકત કર્યો હતો કે ઓનલાઈન કલાસ દરમ્યાન વિદ્યાર્થીઓ પુરતું ધ્યાન નથી આપતા ચાલુ કલાસે સૂઈ જવું, વારંવાર બાથરૂમ જવું, કંઈક ખાતા કે પીતા રહેવું જેવી અનેક બાબતો છે, જે ભણતી વખતે વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ કરે છે. પ૭ ટકા શિક્ષકોના મતે ઓનલાઈન શિક્ષણ એક પકડકારજનક કામ છે, જયારે ૩પ ટકા શિક્ષકો માને છે કે તેઓ ઓનલાઈન કે પરંપરાગત કોઈપણ પ્રકારે શિક્ષણ આપવામાં કોઈ સમસ્યા નથી. જો કે ૪પથી વધુ વયજૂથના શિક્ષકો માટે જરૂરી કમ્પ્યુટર નિપૂણતા કેળવવી ખૂબ જ મુશ્કેલ હતું. ૪પ કે તેથી વધુ ઉંમરના ૭૭ ટકા શિક્ષકોએ માન્યું હતું કે અગાઉ તેઓ કમ્પ્યુટર કે લેપટોપથી કામ કરવા માટે ટેવાયેલા ન હતા. ઓનલાઈન પ્લેટ ફોર્મ્સ પર વિદ્યાર્થીઓને ભણાવવાને લીધે તેઓ ફોટો એડિટ કરવો, પીડીએફ બનાવવી, પ્રીન્ટર કનેકટ કરીને વિવિધ પ્રકારના ડોકયુમેન્ટસ પ્રિન્ટ કરવા, વીડિયો કોલિંગ વગેરે જેવા અનેક કમ્પ્યુટર સંબંધિત ફંકશન્સ શીખ્યા હતા. ૭પ ટકા શિક્ષકો માને છે કે ઓનલાઈન શિક્ષણને લીધે તેમના અંગત જીવનને અસર થઈ છે. સ્કૂલો કયારે ખુલશે અને નિયમિત વર્ગો કેવી રીતે લેવાશે. એ અંગે કોઈ સ્પષ્ટતા નથી, આથી ૪પ ટકા શિક્ષકો જયારે કોવિડ-૧૯ની રસી બજારમાં આવશે પછી જ સ્કૂલે જવા માગે છે, કારણ કે તેમને પોતાની સુરક્ષાની વધુ ચિંતા છે. જો કે રર ટકા શિક્ષકો સ્કૂલો ફરી શરૂ થાય પછી પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી જ ભણાવવા માગે છે, જયારે ૭પ ટકા શિક્ષકોએ પરંપરાગત અને ઓનલાઈન એમ બંને શિક્ષણ માધ્યમ પર ભાર મૂકયો હતો. આમ સર્વેમાં સામે આવેલી વિગતો દર્શાવે છે કે, ઓનલાઈન શિક્ષણમાં અનેક ખામીઓ છે. પ્રત્યક્ષ શિક્ષણમાં જોવા મળતી નથી. જ્યારે કોરોનાની રસી બજારમાં આવશે પછી જ શાળાઓ ખૂલશે કે પછી અનેક નિયમોને આધીન ખૂલશે ? કે પછી શું થશે ? જેવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં જોવા મળી રહ્યાં છે.