પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પણ ભાજપ વડાપ્રધાન મોદીની આડમાં પોલિટિકલ માઈલેજ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી તેમના માટે સૌથી મોટા પડકાર બની ચૂક્યા છે. મમતા બેનરજીએ પીએમ મોદીના કોલકાતા પ્રવાસને વખોડતાં પીએમ મોદી સહિત કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર અત્યાર સુધીમાં અનેક કામો કરતી આવી છે તો નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ રાષ્ટ્રીય રજા કેમ જાહેર નથી કરતી ? તેમણે કહ્યું કે મોદી સરકારે નેતાજી માટે અત્યાર સુધીમાં કોઈ મેમોરિયલની સ્થાપના કેમ નથી કરી? તેમણે મોદી સરકાર સામે આકરા ચાબખાં મારતા કહ્યું કે તમે નવી સંસદની ઈમારત બનાવી રહ્યા છો, નવા વિમાન ખરીદી રહ્યા છો પણ અત્યાર સુધી તમે કેમ નેતાજી માટે કોઈ મેમોરિયલ સ્થાપી શક્યા નથી ? બસ ફક્ત પોલિટિકલ માઈલેજ માટે ચૂંટણી ટાણે તમને નેતાજીની યાદ આવી ગઈ છે. તમે કોઈ બંદરને શ્યામા પ્રસાદ મુખરજીનું નામ આપી દીધું. અમને તેની સામે કોઈ વાંધો નથી.તેમણે પ્લાનિંગ કમિશનને રદ કરવાના મોદી સરકારના નિર્ણયને પણ વખોડ્યો હતો. તેમણે તેની જગ્યાએ નીતિ આયોગને લાવવા સામે પણ વાંધો દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે તમે આજે પરાક્રમ દિવસ કેમ મનાવ્યો, દેશનાયક દિવસ કેમ નહીં ?