(એજન્સી) તા.૭
સઉદી ઈન્ટેલિજન્સના પૂર્વ વડા પ્રિન્સ તૂર્કી અલ ફૈસલે કબજો કરનારા ઈઝરાયલ દેશ સાથે સંબંધો સામાન્ય કર્યાના અહેવાલોને રદીયો આપતાં કહ્યું હતું કે રાજકુમાર મોહમ્મદ બિન સલમાન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ વચ્ચે ક્યારેય મુલાકાત થઈ જ નથી. તેમણે કહ્યું કે ઈઝરાયલી વડાપ્રધાન જુઠ્ઠાં છે. આ ટિપ્પણી તેમણે એક જાણીતા મીડિયા સીએનએનને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કરી હતી. તેમણે આ દરમિયાન સઉદી અરબના રાજકુમાર મોહમ્મદ બિન સલમાન અને ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ વચ્ચેની સંભવિત બેઠક અંગેના સમાચારો અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સઉદી અરબ તમામ પ્રકારના અહેવાલોને નકારે છે. તેમણે આ દરમિયાન અમેરિકા સાથેના સાઉદી અરબના સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી અને તેમાંય ખાસ કરીને તેમણે વ્હાઈટ હાઉસમાં આવનારા પરિવર્તન અંગે પણ ચર્ચા કરી હતી. સઉદી રાજકુમાર અવારનવાર વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથેની મુલાકાતને નકારતા રહ્યાં છે. તેમની વચ્ચે ગત અઠવાડિયે નાઓમ સિટીમાં બેઠક થયાની ચર્ચા હતી. અમેરિકા તથા ઈઝરાયેલના ગુપ્ત સૂત્રોએ આ બેઠકના સમાચાર લીક કર્યા હતા. અલ ફૈસલે કહ્યું કે સઉદી અરબના વિદેશ બાબતોના મંત્રી રાજકુમાર ફૈસલ બિન ફરહાન સાથે મારી વાતચીત થઈ હતી અને તેમણે આવી કોઈપણ જાતની બેઠક યોજાયાના અહેવાલોને રદીયો આપ્યો હતો.