(એજન્સી) તા.૬
ઈઝરાયેલ સરકાર દ્વારા ગઈકાલે સવારે પસાર કરાયેલા નવા કાયદા વિરૂદ્ધ સરકાર વિરોધી પ્રદર્શકોએ રેલીઓ કાઢી હતી. આ નવો કાયદો નેતાન્યાહુ સામેના વિરોધ પ્રદર્શનોને મર્યાદિત કરવા માટે લાગુ કરાયો છે. ટીકાકારોના કહ્યા અનુસાર, આ કાયદાથી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ વિરૂદ્ધ થઈ રહેલા પ્રદર્શનોને શાંત રાખવાનો પ્રયાસ કરાયો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, ૪ વિરોધીઓની ઈઝરાયેલી સૈનિકો ઉપર હુમલા કરવાના કારણે ધરપકડ થઈ હતી. તેમને સવારે મુક્ત કરી દેવાયા હતા. તેલ અવિવના હબીમા સ્કવેરની રેલીમાં શહેરના મુખ્ય માર્ગો પર લોકો કલાકો સુધી રાડોરાડ પાડતા દેખાયા હતા કે તેઓ રાજકીય લોકડાઉન સાથે સંમત નહીં થાય અને આ દેશ તેમનો છે, નેતાન્યાહુનો નથી. નવા નિયમો અનુસાર, પોતાના નિવાસસ્થાનથી ૧ કિ.મી. ત્રિજ્યાના વિસ્તાર અંદર જ પ્રદર્શનોને મંજૂરી અપાશે. એક વિરોધ પ્રદર્શનકારી સ્ટાવ શોમેરે જેરૂસલેમ પોસ્ટને કહ્યું કે, ઈઝરાયેલી સરકારની કોરોના વાયરસ મહામારીને અટકાવવામાં નિષ્ફળતા અને ઈઝરાયેલને સરમુખત્યારશાહીમાં બદલવાના પ્રયાસના વિરોધમાં એક સ્વયંભૂ, ગેરઆયોજીત પ્રદર્શન આજે સાંજે થયા હતા. પ્રદર્શનોને પ્રતિબંધિત કરતું બિલ પસાર થયું હોછા છતાં તેલ અવિવ પોલીસે આ કૂચને ગેરકાયદેસર જાહેર કરી હતી અને પ્રદર્શનકારીઓ પ્રત્યે અનિયંત્રિત હિંસા આચરી હતી. શરૂઆતથી જ તેઓ અમારા વિરોધ કરવાના લોકશાહી અધિકારને દબાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પશ્ચિમ જેરૂસલેમમાં સેંકડો ઈઝરાયેલીઓ ભેગા થઈ ગયા હતા અને નેતાન્યાહુ વિરોધી પ્રદર્શનો પર મર્યાદ લાગુ કરતા કાયદાને લોકશાહી પર તમાચો તરીકે ગણાવ્યો હતો. નેતાન્યાહુ વિરોધી પ્રદર્શનો ત્રણ મહિના અગાઉ સમગ્ર દેશમાં ફાટી નીકળ્યા હતા. જેમાં વિરોધીઓએ વડાપ્રધાન ઉપર લાંચ લેવાનો, વિશ્વાસભંગ કરવાનો અને ત્રણ અન્ય ભ્રષ્ટાચાર સંબંધિત આક્ષેપો કરી તેમની પાસેથી રાજીનામા આપી દેવાની માંગણી કરી હતી. નેતાન્યાહુ (૭૦) પ્રથમ ઈઝરાયેલી વડાપ્રધાન છે, જેઓ કાર્યક્રમ દરમ્યાન કાયદાકીય સુનાવણીનો સામનો કરી રહ્યા છે. જો કે, તેઓ બધા આરોપોને નકારે છે.