(સંવાદદાતા દ્વારા)
નેત્રંગ, તા.૩
લોકડાઉનને પગલે નેત્રંગ તાલુકાના મોટામાલપોર ગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની સરકાર માન્ય દુકાનના સંચાલક દ્વારા મફત અનાજ આપવાની જાહેરાત કરતા મોટામાલપોર ગામે અનાજ વિતરણનું શરૂ કરાઇ હતી, જેમાં દુકાનદારે ઘઉં, ચોખા અને ખાંડમાં ૩૦૦ ગ્રામથી લઈ ૫ કિલો જેટલું વજનમાં ઓછું આપતા ગ્રાહકોએ દુકાનદારને રજૂઆત કરી હતી. ત્યારે દુકાનદારે તમારે લેવું હોય તો લો આમ જ ચાલશે આટલું જ ઓછું મળશે અમારે ઉપર આપવાના હોય છે આવો ઉદ્ધતાઇપૂર્વક જવાબ આપ્યો હતો. આ બાબતે ગ્રાહકોએ સરપંચને રજૂઆત કરતાં તેણે નેત્રંગ મામલતદાર એલ.આર.ચૌધરીને બોલાવી તપાસ કરાવતા ગ્રાહકોને વજનમાં અનાજ ઓછું આપ્યું હોવાનું જણાયું હતું. આથી મામલતદારે પંચકયાસ જવાબો કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચને રિપોર્ટ કર્યો હતો, જેમાં મફત અનાજ વિતરણ મોટામાલપોર ગામની સસ્તા અનાજની દુકાનમાં આજે ચાલુ કરાતા દુકાનદારે બીપીએલ રેશનકાર્ડ ધારકોને ચોખા ૨૧ની જગ્યાએ ૧૮ કિલો, ઘઉં ૫૦ કિલો આપવાના હોય તો ૪૫ કિલો આપ્યા અને ખાંડ ૫ કિલો સરકાર તરફથી અપાતી હોય તો તેમાં ૪.૨૦૦ ગ્રામ ઓછી આપ્યાનું જાણવા મળ્યું છે, તો બીજી તરફ વર્ષોથી ૩થી ૮ કિ.મી. સુધીની પદયાત્રા કરીને ગરીબ આદિવાસી પ્રજા તડકામાં સસ્તુ અનાજ મેળવવા માટે છેક તાલુકા મથક સુધીના ધક્કા ખાઈ રહી છે.
નેત્રંગ તાલુકાની ૭૮ ગામની ગરીબ આદિવાસી પ્રજા માટે નેત્રંગ ખાતે તમામ ઓફિસો શરૂ કરવામાં આવી છે. ગરીબ પ્રજાના કામો ઘર આંગણે ઓછા ખર્ચે થાય તો હેતુ સરકારનો છે. ત્યારે તાલુકાના ચંદ્રવાણ, બોરખાત, બલદણ ઉપરોક્ત ત્રણ ગામો તેમજ તેના ફળિયાના વિસ્તારો નેત્રંગથી ૩થી ૮ કિ.મી. દૂરના ખેતરે આવેલા છે. તમામ ગામો ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગામો છે. આ ગામના ગરીબ લોકોને સરકાર દ્વારા બે રૂપિયા કિલો ઘઉં તેમજ ત્રણ રૂપિયે કિલો ચોખા લેવા માટે પદયાત્રા કરીને છેક નેત્રંગ સુધીનો ધક્કો ખાવો પડે છે. વર્ષોથી આ જ સ્થિતિ છે પણ પદાધિકારીઓ-અધિકારીઓ ઘરઆંગણે સસ્તુ અનાજ મળે તેની વ્યવસ્થા કરતા નતી. ચંદ્રવાણ, બલદણ તથા બોરખાત ગામે એક સસ્તા અનાજની દુકાન શરૂ કરવામાં આવે તેવી ગરીબ પ્રજાની માંગ છે. ચાર ગામ વચ્ચે એક જ સસ્તા અનાજની દુકાનનું વિભાજન કરવાની તાતી જરૂરિયાત છે.