(સંવાદદાતા દ્વારા)
નેત્રંગ, તા.ર૦
ભરૂચ-નર્મદા જિલ્લાઓના સાતપુડા ડુંગરના વિસ્તારમાં એકમાત્ર નેત્રંગ તાલુકામાં ત્રણ ડેમ અને પાંચ નદીઓ વહે છે, છતાં ધરતીપુત્રોને પાણી માટે કકળાટ સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દ.ગુજરાતના ભરૂચ-નર્મદા જિલ્લાના સાતપુડા ડુંગરના જંગલ વિસ્તારમાં નેત્રંગ તાલુકો આવેલ છે, જેમાં ભરૂચ-નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી એકમાત્ર નેત્રંગ તાલુકાની સીમમાંથી અમરાવતી, ટોકરી, કિમ નદી, મધુવંતી અને કરજણ નદી પસાર થાય છે, જેમાં ટોકરી નદી ઉપર બલડવા, પીંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું કરોડો રૂપિયાના ખર્ચ સિંચાઈ અને બાંધકામ વિભાગ દ્વારા નિર્માણ કરાતા નેત્રંગ તાલુકા સવા લાખ વધુની વસ્તી સહિત આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં લોકો માટે આશિર્વાદરૂપ ગણવામાં આવે છે, જેમાં કરોડો રૂપિયાના ખર્ચ નદી ઉપર ડેમ અને કેનાલનું બાંધકામ કરવા પાછળ સરકારનો આશય હતો કે, આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં પશુ-પક્ષી, ખેડૂતો સહિત માનવ વસ્તીને આસાની પીવા અને સિંચાઈ માટે પાણી મળી શકે. પરંતુ કમનસીબે બલડવા ડેમની જમણા-ડાબા કાઠાની કેનાલના ૨૨૦૦ હેક્ટર જમીનના કુલ વિસ્તારમાંથી માત્ર ૩૦૦ હેક્ટર, પીંગોટ ડેમની જમણા-ડાબા કાઠાની કેનાલના ૧૫૦૦ હેક્ટર જમીનના કુલ વિસ્તારમાંથી માત્ર ૨૫૦ હેક્ટર અને ધોલી ડેમના જમણા-ડાબા કાઠાની કેનાલના ૧૦૮૨ હેક્ટર જમીનના કુલ વિસ્તારમાંથી માત્ર ૨૦૦ હેક્ટર આસપાસની અંદાજિત જમીનમાં જ સિંચાઈ માટે આપી શકાય છે, તેવું સૂત્રો પાસેથી ચોંકાવનારી માહિતી મળી છે. જ્યારે હેક્ટર જમીન સુધી સિંચાઈ માટેનું પાણી નહીં પહોંચવાનું મુખ્ય કારણ હોય શકે છે કે, તમામ ડેમની જમણા-ડાબા કાઠાની કેનાલના કોઈ ઠેકાણા નથી. ઠેર-ઠેર જર્જરીત હાલતમાં છે, સમારકામ માટે ફંડ ફાળવવામાં આવતું નથી. જવાબદાર લોકો દ્વારા યોગ્ય વહીવટી કરાતો નથી અને રાજ્ય અને ભરૂચ જિલ્લાના સિંચાઈ વિભાગ દ્વારા પણ ધ્યાન આપવામાં આવતું નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. જ્યારે આ વર્ષ પણ ૨૦ મેની આસપાસ ત્રણેય ડેમમાં પાણીના સ્તર ઊંડા ઉતરતાં સિંચાઈ માટે અપાતા પાણી ઉપર કાપ મૂકી દેવામાં આવતા શેરડી, કેળ, પપૈયા જેવા પિયત પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ હતી. જ્યારે નેત્રંગ તાલુકાની સીમમાંથી અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કિમ નદી પસાર થાય છે. જે ચોમાસા અને શિયાળાની સિઝન બાદ ઉનાળામાં ભયંકર ગરમીના કારણે સુકીમઠ્ઠ થઈ જતાં નદીકાંઠે વસવાટ કરતાં ગામોમાં પશુ-પક્ષી અને માનવ વસ્તીને પીવા માટે પાણી સહિત ખેડૂતોને સિંચાઈ માટેના પાણી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને પાણીના સ્તર ભુગર્ભમાં ઉતરતાં નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં લોકોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે અને હાલના સમયમાં ચોમાસાની સિઝનમાં મેઘરાજા હાથતાળી આપી જતાં ખેડૂતો સહિત ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.