(એજન્સી) કાઠમાંડુ, તા.૨૦
નેપાળની સરકારે નવા રાજકીય નકશાને સત્તાવાર રીતે જાહેર કરી દીધો છે. આ નવા નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પણ સામેલ કરવામાં આવ્યા છે. જેને લઈને નેપાળ અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. સોમવારે થયેલી નેપાળની કેબિનેટ બેઠકમાં ભૂમિ સંસાધન મંત્રાલયે નેપાળનો સંશોધિત નકશો જાહેર કર્યો હતો, જેનું સૌએ સમર્થન કર્યું હતું. ત્યારબાદ આજે એટલે કે બુધવારે ભૂમિ સંસાધન મંત્રી પદ્મા કુમારી આર્યાએ સત્તાવાર રાજકીય નકશો જાહેર કરી દીધો છે. આખો મામલો એવો છે કે આઠ મેએ ભારતે ઉત્તરાખંડના લિપુલેખથી કૈલાશ માનસરોવર માટે રોડનું ઉદઘાટન કર્યું હતું. જેને લઇને નેપાળે વિરોધ દર્શાવ્યો હતો. નેપાળે પછીથી નવો રાજકીય નકશો જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ પણ કહ્યું હતું કે, તેઓ એક ઈંચ પણ જમીન ભારતને નહીં આપે. જ્યારે સરકારના એક મંત્રીએ કહ્યું કે, નેપાળ ભારતની તરફથી થઇ રહેલા અતિક્રમણને લાંબા સમયથી સહન કરી રહ્યું હતું, જોકે ભારતીય રક્ષા મંત્રીએ લિપુલેખમાં નવા રોડનું ઉદઘાટન કરી દીધું હતું. સુગૌલી સંધિ મુજબ નેપાળ કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો રજૂ કરે છે. નેપાળ અને બ્રિટિશ ભારત વચ્ચે ૧૮૧૬માં સુગૌલીની સંધિ થઇ હતી, જે હેઠળ બંને વચ્ચે મહાકાલી નદીને બોર્ડર માનવામાં આવી હતી. જ્યારે વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારત-નેપાળ સીમા વિવાદ મહાકાલી નદીના ઉત્પતિને લઇને જ છે. નેપાળનું કહેવું છે કે મહાકાલી નદી લિપુલેખની નજીક લિમ્પિયાધુરાથી નીકળે છે અને દક્ષિણ-પશ્ચિમ તરફ વહે છે. જ્યારે ભારત કાલાપાનીને નદીનું ઉત્પત્તિ સ્થાન માને છે અને દક્ષિણ અને આંશિક રૂપે પૂર્વમાં વહે છે. આ કારણે બંને દેશો વચ્ચે વિવાદ ઉભો થયો છે.
નેપાળના ‘નવા નકશા’એ પશ્ચિમમાં આવેલા ભારતના ક્ષેત્રો પોતાના હોવાનો દાવો કર્યો, પૂર્વમાં સુસ્તા અંગે નિયંત્રણ ભાર મૂક્યો

Recent Comments