(એજન્સી) તા.૧૯
નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ નેપાળના નવા નક્શા અંગેના બિલ પર ગુરુવારે હસ્તાક્ષર કરી દીધા. જેના બાદ તે કાયદો બની ગયો છે. આ નક્શામાં અમુક ભારતીય ક્ષેત્રો સાથે સામેલ કરાતા ભારતે નેપાળ સરકારના આ પગાલં વિરૂદ્ધ નિરાશા વ્યક્ત કરી છે. નેપાળના આ પગલાને કારણે ભારત સાથે સરહદે વિવાદ વકર્યો છે, જેમાં પહેલાથી જ ઉત્તરાખંડમાં લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા પર નેપાળના દાવાને ફગાવી દીધો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર નવી દિલ્હીના સૂત્રો કહે છે કે જે રીતે નેપાળ સાથે વાતચીતની ગુંજાઈશ હોવા છતાં અનુકૂળ વાતાવરણ અને સકારાત્મક સ્થિતિ બનાવવાનો પ્રયાસ ન કરાયો તેનાથી ભારત સરકાર નિરાશ છે. ભારતે તેની સામે વાંધો દર્શાવતા કહ્યું કે આ સરહદી મુદ્દાઓ પર વાતચીત કરવાની અમારી વર્તમાન સમજનો ભંગ છે.
ગત ગુરૂવારે નેપાળની સંસદના ઉપલા ગૃહ એટલે કે નેશનલ એસેમ્બલીએ બંધારણીય સુધારા બિલને સર્વાનુમતે મંજૂરી આપી દીધી હતી. ગત ૧૩ જૂને નેપાળની સંસદના નીચલા ગૃહે એટલે કે પ્રતિનિધિ સભાએ આ બિલને મંજૂરી આપી હતી. નવા નક્શામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળે પોતાના ક્ષેત્રો ગણાવ્યાં છે.
રાષ્ટ્રીય સભામાં અધ્યક્ષને છોડી ૫૮માંથી ૫૭ સભ્યોએ બિલના પક્ષમાં મતદાન કર્યુ હતું. રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ ગણેશ પ્રસાદ તિમિલસેનાએ ગૃહના પ્રસ્તાવને અનુમોદિત કર્યુ. આ બિલ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વાયદા અનુસાર ભારત સાથેના ક્ષેત્રોને ફરીવાર પ્રાપ્ત કરવાનો બંધારણીય જનાદેશ આપે છે. રાષ્ટ્રીય સભામાં વિપક્ષી નેપાળી કોંગ્રેસી પાર્ટીના સભ્ય રાધેશ્યામ અધિકારીએ કહ્યું કે આપણે આ વિસ્તારોને આપણા પ્રશાસનિક નિયંત્રણમાં રાખવા જોઈએ.