(એજન્સી) કાઠમાંડૂ, તા.૧૯
એવું લાગે છે કે, નેપાળે ચીનના ઈશારાઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. પાડોશી દેશ પોતાનો નવો નકશો તૈયાર કરવા જઈ રહ્યો છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્તારો એવા હશે જે ભારતીય સરહદમાં આવે છે. સોમવારે નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક દરમિયાન આ નકશાને મંજૂરી અપાઈ. જે મુજબ, લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાની નેપાળમાં છે. જ્યારે હકીકતમાં આ વિસ્તારો ભારતમાં આવે છે. નકશો જાહેર થયા બાદ નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ કહ્યું, લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી વિસ્તાર નેપાળમાં આવે છે અને તેને પાછા લેવા માટે મજબૂત કૂટનીતિક પગલા ઉઠાવાશે. નેપાળના બધા વિસ્તારોને દર્શાવતા એક ઔપચારિક નક્શો જાહેર કરાશે.
થોડા દિવસો પહેલાં ધારચૂલાથી લિપુલેખ સુધી નવા રોડનું રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા ઉદ્‌ઘાટન કરાયું હતું. આ રોડ પર નેપાળે આપત્તિ દર્શાવી હતી. આ રોડથી કૈલાશ માનસરોવર જનારા તીર્થયાત્રીઓ વચ્ચેનું અંતર ઘટી જશે. નેપાળના વિદેશમંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ ભારતના રાજદૂત વિયન મોહન ક્વાત્રાને સમન્સ પાઠવ્યું હતું. જવાબમાં ભારતે પણ પોતાની પોઝિશન સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં હાલમાં બની રહેલો રોડ સંપૂર્ણ રીતે ભારતનો વિસ્તારમાં છે. ગ્યાવલીએ સોમવાર એક ટ્‌વીટમાં જાણકારી આપી કે, કેબિનેટએ ૭ પ્રાંત અને ૭૭ જિલ્લા અને ૭૫૩ સ્થાનવાળા નેપાળને નક્શાને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં લિંપિયાધુરા, લિપુલેક અને કાલાપાણી પણ હશે.
નેપાળના આવા વ્યવહાર માટે ભારત ચીનને જવાબદાર માની રહ્યું છે. શુક્રવારે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે એ સંકેત આપ્યા હતા કે નેપાળના લિપુલેખ મુદ્દાને ઊઠાવવા પાછળા કોઈ વિદેશી તાકાત હોઈ શકે છે.